April 30, 2008

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે ....કલાપી

આજનો દિન તો આપણા ભારતીય ફિલ્મ-જગત માટે ખૂબ જ મહત્વનો છે. ભારતીય ફિલ્મનિર્માણના પિતા શ્રી ધૂંડીરાજ ગોવિંદ ફાળકે એટલેકે દાદાસાહેબ ફાળકેનો જન્મદિવસ. ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકે નાસિકના વતની. તેમનો જન્મ ૩૦-૦૪-૧૮૭૦ના રોજ થયેલ. મિત્રો પાસેથી કરજ લઈને પણ તેઓ ઈંગ્લેન્ડમાં ફિલ્મ ટેકનિક શીખવા ગયા. ત્યાંથી આવીને પોતાના ઘરમાં જ સ્ટુડિયો ઊભો કર્યો...


જાણો છો મિત્રોરાજા હરિશ્ચન્દ્ર મુંબઈના સેંડહર્સ્ટ રોડ પર આવેલ કોરોનેશન સિનેમામાં 3જી મે, 1913ના દિને રજૂ થઈ..તે પૂર્ણ લંબાઈની સંપૂર્ણપણે ભારતીય પ્રથમ ફીચર ફિલ્મ હતી. તે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, સિનેમેટોગ્રાફર દાદાસાહેબ ફાળકે હતા જે ભારતીય ફિલ્મજગતની સૌથી ચર્ચિત ફિલ્મ હતી કે તેને જોવા-માણવા માટૅ એટલો બધો માનવ મહેરામણ ઉમટેલો કે તંબૂઓ તાણીને આ ફિલ્મ બતાવી પડી તી...


રાજા હરિશ્ચન્દ્ર ફિલ્મમાં રાજા હરિશ્ચન્દ્ર તથા રાણી તારામતીની કથા હતી. રાજા હરિશ્ચન્દ્રની ભૂમિકા ડી. ડી. ડબકે નામના મહારાષ્ટ્રીયને ભજવી હતી. ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ અભિનેતા ડી. ડી. ડબકે બન્યા.


તારામતીની ભૂમિકા માટે તે જમાનામાં કોઈ સ્ત્રી, કોઈ અભિનેત્રી તૈયાર ન થઈ. છેવટે દાદાસાહેબે એક યુવાન વેઈટરને સ્ત્રી પાત્ર ભજવવા રાજી કર્યો. આમ, ભારતીય સિનેમા ઉદ્યોગની પ્રથમ ફિલ્મમાં પ્રથમ સ્ત્રીપાત્ર તરીકે સાલુકે નામના યુવાન પુરુષે અભિનય આપ્યો.


ત્યારબાદ ભસ્માસુર મૉહિની અને સત્યવાન સાવિત્રી સાથે લગભગ ૪૭ મૂંગી અને બોલતી ફિલ્મોનું તેમણે નિર્માણ કરેલું.તેમના આ અમૂલ્ય યોગદાન બદલ સરકારે દાદાસાહેબ ફાળકે ના નામે શ્રેષ્ઠ નિર્માતા, સંગીતકાર, ગીતકાર, અભિનેતા , અભિનેત્રી વગેરેને પુરસ્કાર એનાયત આપવાનુ નક્કી કરી તેમનું બહુમાન કર્યું....


સહુથી પહેલી કોઈ વ્યક્તિ કે સ્ટાર્સ હોય તેવી પોસ્ટ ટિકિટ ૩૦ એપ્રિલ ૧૯૭૧ના દિવસે ભારતીય સિનેમાના પિતામહ ધુંડીરાજ ગોવિંદ ફાળકે (દાદાસાહેબ ફાળકે)ના ચિત્રવાળી, તેમની જન્મશતાબ્દી અવસરે બહાર પાડવામાં આવી હતી. જે ૨૦ પૈસાની હતી. આ પછી ભારતીય સિનેમાના પ્લેટિનમ જ્યુબિલી વર્ષ પર ૬૦ પૈસાની સિનેમાને સાંકળતી બીજી ટિકિટ સરકારે બહાર પાડી. આ પછી ૧૯૮૯માં ૩૦મી એપ્રિલે દાદા સાહેબ ફાળકેના જન્મદિવસે બહાર પાડી. આ ટિકિટ પર ફાળકે સાહેબની તસવીરને બદલે તેમની પહેલી ફિલ્મ રાજા હરિશ્ચંદનું દ્રશ્ય મૂકવામાં આવ્યું હતું. દાદાસાહેબ ફાળકેથી હિન્દી ફિલ્મને પોસ્ટમાં સ્થાન મળ્યું


ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાલકે ગુજરાતમાં રહ્યા હતા તે હકીકત આપણામાંથી કેટલા જાણે છે?

ઓગણીસમી સદીના છેલ્લા દશકામાં દાદાસાહેબ ફાલકે વડોદરા આવ્યા. સંસ્કારધામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્થાપિત કલા ભવન તે સમયે વિશ્વવિખ્યાત હતું. અહીં દાદાસાહેબે ફોટોગ્રાફી, પેઈંટિંગ અને મેજિક વિદ્યાનો અભ્યાસ કર્યો. થોડો સમય ગોધરા જઈને રહ્યા. ત્યાં ફોટોગ્રાફી શરૂ કરી. અહીં લેંડસ્કેપ અને પોર્ટ્રેટમાં તેમણે કુશળતા મેળવી.. આ અરસામાં તેમણે પ્લેગના ભયાનક રોગચાળામાં પોતાની પ્રિય પત્ની તથા બાળકને ગુમાવ્યાં! તેમણે ગુજરાત છોડ્યું. તે પછી દાદાસાહેબ ચલચિત્રો તરફ વળ્યા અને ઈતિહાસ રચ્યો તે તો સૌ કોઈ જાણે છે.


આપણે ગર્વ લેવો જોઈએ કે દાદાસાહેબ ફાલકેની કારકિર્દીના ઘડતરમાં ગુજરાતનો ફાળો છે.

ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રારંભ સાથે જ અનેક ગુજરાતીઓએ આ ક્ષેત્રે ઝંપલાવ્યું. તેમાં શારદા ફિલ્મ કંપનીના ભોગીલાલ દવે, મોહન પિક્ચર્સના મોહનલાલ દવે, સાગર મુવિટોનના ચિમનલાલ દેસાઈ, કૃષ્ણ મુવિટોનના માણેકલાલ પટેલ, ગુજરાતી લેખક-રાજકારણી ઈન્દુલાલ યાજ્ઞિક, રણજીત ફિલ્મ્સના સરદાર ચંદુલાલ શાહ …. હજી બીજાં કેટલાં નામ ઉમેરી શકાય! આ સૌ ગુજરાતીઓએ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો પાયો નાખ્યો.


આપણે મુંબઈના બોલિવુડની આધુનિક ઝાકમઝાળમાં ફિલ્મ ક્ષેત્રે ગુજરાતીઓની અનોખી સિદ્ધિઓ ભૂલી ગયા છીએ.

વળી કાલે ગુજરાત સ્થાપના દિન છે ને ગુજરાતી માટે તો કહે છે ને કે જ્યાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો આજે મને કલાપીની સૌથી પ્રિય કવિતા અહીં રજૂ કરું છું.





જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !



માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની !



જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !



તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !



આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની !



આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની !



દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની !



થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની !



જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !



પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની !



રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની !



જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની !



ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !



કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની !






આ પોસ્ટ માટે સંદેશ, અનામિકાનો ખૂબખૂબ આભાર.

No comments: