May 1, 2008

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની…રમેશ ગુપ્તા, મન્ના ડે

આજનો દિવસ તો દરેક ગુજરાતી માટૅ સુંદર અને યાદગાર છે.આજે છે ૧લી મે. આ દિને બે મહત્વના દિન ઉજવાય છે. જેમાંથી એક છે વિશ્વ મજૂર દિન એટલેકે “World Labour Day” અને બીજો તો આપણા આ ગુજરાતનો જન્મદિવસ.... તો ચલો આજે ગુજરાતની સ્થાપના વિશે કંઈક જાણીએ.



૪ વર્ષના મહાગુજરાત આંદોલનના પગલે બૃહદ મુંબઈ રાજ્યથી અલગ પડેલા ગુજરાત રાજ્યની સ્થાપના ૧લી મે, ૧૯૬૦ના રોજ સાબરમતી આશ્રમ ખાતે તે વખતના મૂકસેવક રવિશંકર મહારાજના આશીર્વાદ સાથે થઈ હતી. રવિશંકર મહારાજ ઓલિયા ફકીર સમાનનું જીવન જીવ્યા હતા. તે વખતે તેમણે બૃહદ મુંબઈ રાજ્યના એક ભાગ ગણાતા ગુજરાત પ્રાંતમાં સમાજસુધારાનું અનોખું બીડું ઝડપ્યું હતું. ૧૯૫૬માં ભાષાકીય ધોરણે અલગ રાજ્યની ચળવળ થઈ ત્યારે તેને ઈન્દુલાલ યાજ્ઞિક નું સમર્થન હતું. તેમણે મહાગુજરાતની ચળવળ વખતે ચળવળના નેતાઓને સમયે સમયે માર્ગદર્શન પણ આપ્યું હતું. તત્કાલીન સમયગાળામાં તેઓ પ્રત્યેક ગુજરાતીના મનમાં એક આદરભર્યું સન્માન અને લાગણી ધરાવતા હતા. તેથી જ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ રાજ્ય ગુજરાત બનાવવાનો નિર્ણય લેવાયો ત્યારે મૂકસેવકના હસ્તે નવા રાજ્યની સ્થાપના કરવાનું નક્કી કરાયું અને સ્થળ તરીકે રાષ્ટ્રપિતા ગાંધીજી સ્થાપિત સાબરમતી આશ્રમ નક્કી થયું હતું. અલગ રાજ્યની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૧લી મે ૧૯૬૦ના રોજ ગુજરાતનો ઉદય થયો.અને ગુજરાતના પાટનગર તરીકે અમદાવાદને પસંદ કરવામાં આવ્યું જેને પાછળથી બદલીને હવે ગાંધીનગર કરવામાં આવ્યુ છે.


જ્યારે ગુજરાત મુંબઈ રાજ્ય સાથે જોડાયેલ હતુ ત્યારે કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર જેવા પ્રાંતમાં વહેંચાયેલું હતું.. પરંતુ આજે તો એક સંયુક્ત ગુજરાત છે. આજે વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના સાથે જીવીએ છીએ ત્યારે આજ પણ હજી પણ સૌરાષ્ટ્રના લોકો એમ કહે છે કે તમારું ગુજરાત ત્યારે એમ થાય કે શું એ અમારૂ જ છે આપણું નહીં...?


અરે હા સંગીતના પ્રેમીઓ આજના દિવસને કેમ ભૂલી શકે..? આજે છે આપણા મન્ના ડે નો જન્મદિવસ પણ...તો મિત્રો આજના દિવસે મન્ના ડે એ જ ગાયેલું અને રમેશ ગુપ્તા રચિત આ ગીત અહીં રજૂ કરૂ છું જે મારુ પ્રિય ગીત છે.


જ્યાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.”





આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની

ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …


અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ

દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …


મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ

હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ

અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ

શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ

No comments: