June 18, 2015

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો બીજો અધ્યાય અને વર વગરની વહુની વાર્તા.....

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,

          આજે છે પવિત્ર પાવન પુરૂષોત્તમ માસના શુક્લ પક્ષની બીજ. તો આ સુદ ૨ ના શુભ દિને માણીએ પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથાનો બીજો અધ્યાય અને વર વગરની વહુની વાર્તા.....

અધ્યાય બીજો : શ્રી નારદજીનો પ્રશ્ન


          સુત બોલ્યા : તે પછી પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ માટે પ્રશ્ન કર્યો ત્યારે શુકદેવજીએ તેમને શ્રીમદ્દ ભાગવત સંભળાવ્યું.
          ઋષિઓ બોલ્યાં : “હે સત્પુરુષ સુત ! તમે શ્રી વ્યાસમુનિના મુખેથી તેમની કૃપાને લીધે જે કંઈ નવીન સાંભળ્યું હોય તે કહો. મનને પ્રસન્ન કરનારી, સારરૂપ પવિત્ર, અમૃત કરતાં પણ અધિક તથા શ્રેષ્ઠ કથા અમને સંભળાવો. જેથી અમે પણ એ જ્ઞાનગગામાં સ્નાન કર્યું હોવાનો આનંદ લઈએ.
          સુત બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! તમે અતિ ઉત્તમ હોવા છતાં મને ભગવતકથા વિશે પૂછો છો તો શ્રી વ્યાસના મુખેથી મેં જે સાંભળ્યું છે તે હું તમને કહું છું.”
          એક વખત બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદજી ગંગાજીના કિનારે આવેલા બદરીનારાયણના આશ્રમમાં ગયા. ત્યાં જઈને દેવોના દેવ અને તપસ્વી તે નારાયણ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરી નારદજી બે હાથ જોડી તેમની સ્તુતિ કરવા લાગ્યા.
          નારદ બોલ્યા : “હે દેવોના દેવ ! આપ સત્યવ્રતવાળા હોઈ ત્રણે કાળે સત્ય છો. સત્યની ઉત્પત્તિ આપથીજ થઈ છે. આપ પોતે જા સર્જનહાર છો, પ્રાણીમાત્રના પાલક પોષક છો, છતાં જપ-તપ દ્વારા આપા મૃત્યુલોકના પ્રાણીમાત્રને બોધ આપો છો. જો આપ તપ ન કરો તો કળિયુગમાં (લોકોએ) કરેલા પાપથી આ પૃથ્વી ડૂબી જાય. પુણ્યશાળી તથા પાપી એમ બંને પ્રકારના લોકોથી આપૃથ્વી છવાયેલી છે તે કેવળ (આપે કરેલા તપરૂપ) પુણ્યથીજ ટકે છે.”
          “હે ભગવાન ! હું અત્યારે મૃત્યુલોકમાંથી આવ્યો છું. ત્યાં મેં બધા મનુષ્યોને મોહ-માયામાં ફસાયેલા, પાપમાં રચ્યાપચ્યા રહેલા તથા વિષયામુક્ત મનવાળા અને સ્ત્રી-પુત્ર-ઘર વગેરેમાં રત રહેલાં અને અસત્ય બોલતા જોયા. તેથી આપ મને કોઈ એવો ઉપાય બતાવો કે આ મનુષ્યો પવિત્ર પંથે વળે અને તેમનું કલ્યાણ થાય. વળી ઉપકાર કરવો એ વિષ્ણું ભગવાનને પણ પ્રિય છે. એવો વેદમાં ખાસ નિશ્ચય કરાયો છે માટે લોકોનો ઉપકાર કરવા તથા તેમનું સદાય હિત થાય તેવી જે કોઈ સારરૂપ પવિત્ર વ્રત કે કથા હોય તો કહો, જેને માત્ર સાંભળવાથી જ  લોકોનું કલ્યાણ થાય અને નિર્ભયપણે મોક્ષને પ્રાપ્ત કરે.”
          નારદનું વચન સાંભળી ભગવાન નારાયણે કહ્યું : ““હે નારદજી ! આપે આજે લોકહિતાર્થે ઘણો શ્રેષ્ઠ પ્રશ્ન પૂછ્યો. તમારા જેવા પુનિત મહાત્માઓ જ પાપીઓનો ઉદ્ધાર કરે છે. તમારા જેવા સંતો જ આ સંસારીઓનાં ત્રિવિધ તાપ, દુ:ખોનો નાશ કરે છે. હું તમને પવિત્ર પાવન પુરૂષોત્તમ માસની કથા કહું છું, જેનાં શ્રવણ-પઠન, જપ-તપ-વ્રત-ઉપવાસથી માનવીના કષ્ટો, પાપ, તાપ, દુ:ખ, દારિદ્રય, કષ્ટો, સંતાપો નાશ પામે છે અને તે પ્રભુના ધામને પામે છે.
          શ્રી નારાયણ બોલ્યા : “હે નારદ ! ગોપીઓના મુખરૂપ કમળના રસને ગ્રહણ કરવામાં ભ્રમર સમાન, રાસલીલા ચાલુ કરનાર રસિક પુરૂષોના શણગાર રૂપ, આદિ પુરૂષ પરમાત્મા સ્વરૂપ અને વૃંદાવનમાં વિહાર કરનાર ભગ્વાન વ્રજપતિ શ્રીકૃષ્ણની પવિત્ર કથા તમે સાંભળો.”       
          “હે પુત્ર ! જેમની આંખના માત્ર એક જ પલકારથી આ જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્મા પ્રગટ્યાં છે તે પરમેશ્વરનાં કર્મોનું વર્ણન કરવા પૃથ્વી પર કોણ સમર્થ છે ? આ અભુત પુરૂષોત્તમ માહાત્મ્ય હું તમને આદરપૂર્વક કહું છું. કેમકે એ ત્રિવિધ તાપ, દરિદ્રપણાને તથા વૈધવ્યને દૂર કરનાર, શ્રેષ્ઠ પુત્રો તથા મોક્ષને આપનાર છે અને સેવવા યોગ્ય છે.”
          નારદજીએ પૂછ્યું : “હે શ્રી નારાયણ મુનિ ! તે પુરૂષોત્તમ દેવ કોણ છે ? એમનું માહાત્મ્ય ક્યું છે તે મને આશ્ચર્ય જેવું લાગે છે તેથી મને એ વિસ્તારથી કહો.”
          સુત બોલ્યા : “ હે મુનિઓ ! નારદજીનું એ વચન સાંભળી શ્રી નારાયણ પુરૂષોત્તમમાં મનને બરાબર એકગ્ર કર્યા પછી આમ બોલ્યા :” 
          શ્રી નારાયણે કહ્યું : “હે દેવર્ષિ નારદ ! પુરૂષોત્તમ એવું એક મહિનાનું નામ છે અને તે નામ પણ કારણ સહિત છે, તે મહિનાના સ્વામી કૃપા સાગર શ્રી પુરૂષોત્તમ કહેવાય છે. એ માસનું  વ્રતકરવાથી શ્રી પુરૂષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે.
          નારદજીએ પૂછ્યું : “ચૈત્ર વગેરે મહિનાઓ અને તે તે મહિનાના સ્વામીઓ તો મેં સાંભળ્યા છે, પરંતુ આ મહિનાનું નામ પ્રથમ વખત જ સાંભળું છું. તે મહિનામાં શું કરવું ? એ બધુ કરવાથી ક્યા દેવ પ્રસન્ન થાય છે, એ ક્યું ફળ આપે છે તે મને કહો. હે જગતના નાથ ! વિધવાપણું તથા વાંઝિયાપણું આદિ ક્ષયરોગ, જે જે દોષો છે, તેઓથી પીડાતા મનુષ્યોને જોઈનેમને દુ:ખ થાય છે માટેતે સાંસારિક જીવોને દુ:ખોથી મુક્તિ મળે અને તેમનું કલ્યાણ થાય તેવો સરળ ઉપાય મારા પર કૃપા કરી કહો, જેથી મારા મનને હર્ષ થાય. તમે બધું જાણનારા અને સર્વ તત્વોનું સ્થાન છો.”     
સુત પુરાણી  બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! બ્રહ્માના પુત્ર, નારદજીનું આવું રસયુક્ત તથા લોકહિતના કારણરૂપ વચન સાંભળીદેવોના દેવશ્રી નારાયણ ચંદ્રમાં જેવા શાંત અને મેઘના શબ્દજેવી આનંદદાયક વાણીથી પુરૂષોત્તમ માહાત્મ્યની કથા કહેવા લાગ્યા. એ જ કથા હું તમારી આગળ રજૂ કરું છું.”

“ શ્રી બૃહન્નારદીય પુરાણ” ના પુરૂષોત્તમ માહાત્મ્યનો
“શ્રી નારદજીનો પ્રશ્ન” નામનો બીજો અધ્યાય સંપૂર્ણ.

હવે પતિતપાવન પુરૂષોત્તમ માસની કથાનું રસપાન કરીએ.

વર વગરની વહુની વાર્તા


          ભૃગુપુર ગામમાં એક બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. પતિ-પત્ની બહુ ધર્મિષ્ઠઅને ધર્મધ્યાન કરનાર, સંપત્તિ તો ઘણી પણ સંતતિ નહી. શેર માટીની ખોટ.
             એવામાં પાવન પુરૂષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણી વિચાર કરે છે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો દીકરાની વહુ આવત.વહુ ઘરનું કામ કરત અને હું નિરાંતે પ્રભુનું ભજન કરત. રાંધવા-ચીંધવાની કડાકૂટ ન રહે અને હેઠા હૈયે કથાવાર્તા સંભળાય.
          બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. “ગાંડી થઈ છે કે શું ? આપણે રહ્યા વાંઝિયા ! દીકરો હોય તો વહુ આવે, દીકરો વગર વહુ આવે ખરે ?” પણ બ્રાહ્મણી તો હઠે ભરાણી કે હવે તો આ ઘરમાં વહુ આવે તો જ હા, નહીતર ના. દીકરા હોય એ તો વહુ લાવે, પણ વગર દીકરે વહુ લાવે તો જ ખરા કહેવાય. તમે વહુ લાવો તો જ અન્ન લઈશ નહી તો પ્રાણ છોડી દઈશ.
            બ્રાહ્મણ તો મૂંઝાણો ! ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડ્યો કે તમે કન્યા શોધી કાઢો. કન્યાના મા-બાપ પૂછે કે વર ક્યાં છે ? ત્યારે કહેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે. એની પોથી છે એની સાથે કન્યા ત્રણ ફેરા ફરે. ચોથો ફેરો દીકરો કાશીએથી આવીને ફરશે.
          બ્રાહ્મણના ગળે વાત ઊતરી ગઈ. એ તો નીકળ્યો કન્યા શોધવા. ગામે ગામ ફરતો ત્રંબાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘેર રાત્વાસો કર્યો. રાતે વાળુ-પાણી કર્યા, પછી વાત નીકળી. એ બ્રાહ્મણના ઘરમાં જ કન્યા હતી. બ્રાહ્મણે કન્યા જોઈ. રૂપ રૂપના અંબાર જેવી સદગુણી કન્યા જોઈને બ્રાહ્મણનું મન માની ગયું. કન્યાના પિતાએ પણ હા પાડી.
          ઘડિયા લગ્ન લેવાયાં. પોથી સાથે ફેરા ફરીને કન્યા સાસરે આવી ! બ્રાહ્મણીના હરખનો પાર ના રહ્યો. એણે તો ઘરની બધી જવાબદારી વહુને સોંપી દીધી અને પોતે ધર્મ-ધ્યાનમાં લાગી ગઈ. વહુએ આવતાં વેંત જ ઘર સંભાળી લીધું. સાસુ સસરાની ખરા દોલથી સેવા કરતી. પુરૂષોત્તમ માસ શરૂ થતાં બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા જાય. વાર્તા સાંભળે,દેવદર્શન કરે અને બપોરે ઘેર આવીને તૈયાર ભોજન જમે.
          એક દિવસ બ્રાહ્મણ-બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. પાછળથી પડોશણ દેવતા લેવા આવી. વહુને જોઈને પૂછવા લાગી કે તું કોણ છે? વહુ તો બોલી કે હું આ ઘરની વહું છું. ત્યારે પડોશણે ખડખડાટ હસીને મહેણું માર્યું કે બ્રાહ્મણ-બ્રાહ્મણી તો વાંઝિયા છે. તેને વળી દીકરો કેવો ને વાત કેવી ?       
          વહુ તો બિચારી રડવા લાગી. સાસુ સસરા આવ્યા એટલે બધી વાત કરી. બ્રાહ્મણી  પડોશણને જૂઠ્ઠી-અદેખી, કોઇનું સારું જોઇ શકતી નથી તેમ કહી ભાંડવા લાગી. પછી વહુને રાજી રાખવા સાત ઓરડાની ચાવી આપતાં કહ્યું, ‘છ ઓરડામાં ખાવા-પીવાની, પહેરવાની-ઓઢવાની ચીજ છે. ખાજો-પીજો, પહેરજો-ઓઢજો પણ સાતમો ઓરડો ખોલશો નહી.
          વહુએ તો ચાવીઓ લઈ લીધી. પહેલો ઓરડો ખોલ્યો. એમાં મેવા-મીઠાઈ હતાં, બીજામાં હીરનાં ચીર, ત્રીજામાં હીરા-માણેક, એમ છ ઓરડા જોઈ લીધા. પછી સાસુની શિખામણ ભૂલીને સાતમો ઓરડો ખોલ્યો તો અંદર એક દિવ્ય પુરૂષ બેઠો બેઠો પોથી વાંચે છે. દેવતાઈ રૂપ છે. વહુને જોતાં જએ પુરૂષ બોલ્યો : “ઉઘાડ્યાં છે એવાં જ બારણાં બંધ કરો. મારા માતા-પિતાનું વ્રત તૂટશે. મારો પાઠ અધૂરો રહેશે. વ્રત પૂર્ણ થયે હું તમારી સાથે ચોથો ફેરો ફરીશ.”
          વહુની આંખમાં હરખનાં આંસુ આવે ગયાં. પોતે સાતમો ઓરડો ઉઘાડ્યો છે એ વાત સાસુને ના કરી. એમ કરતાં પુરૂષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ સાસુને કહ્યું કે હવે તમારા દીકરાને બોલાવોએટલે મારાં અધૂરાં લગ્ન પૂર્ણ થાય.
          બ્રાહ્મણ-બ્રાહ્મણી મુંઝાયા. દીકરો તો હતો નહી તો લાવવો ક્યાંથી ? બંને ઝેર ઘોળવાનો વિચાર કરતા હતાં ત્યાંજ વહુએ જઈને સાતમો ઓરડો ખોલ્યો અને પતિને સાદ દીધો. સાદ દેતાં જ એક દિવ્ય પુરૂષ બહાર આવ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણી તો ફાટી આંખે તાકી રહ્યા. એ સ્વયં પુરૂષોત્તમપ્રભુ હતા, જે પોતાના ભક્ત આ વૃદ્ધ બ્રાહ્મણ દંપતિની લાજ રાખવા ખુદ પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી મા-બાપના આશીર્વાદ માંગ્યા ત્યારે બ્રાહ્મણ-બ્રાહ્મણીની આંખો વરસી પડી.
          વહુ દીકરા સાથે સુખેથી જીવન વીતાવી બ્રાહ્મણ બ્રાહ્મણી અંતકાળે વૈકુંઠ પામ્યા.
          હે પુરૂષોત્તમરાય ! તમે જેવા બ્રાહ્મણ-બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો.          

હવે પરમ પ્રભુ શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું  સંકીર્તન કરીએ.
સંકીર્તન
અષ્ટાક્ષર ધ્વની

શ્રીકૃષ્ણ: શરણમ મમ  શ્રીકૃષ્ણ: શરણમ મ
શ્રીકૃષ્ણ: શરણમ મમ  શ્રીકૃષ્ણ: શરણમ મમ
કદમ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
જમુના કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
વ્રજ ચોરાસી કોસ બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
વૃંદાવનના વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
ગોકુળિયાની ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
કુંજ કુંજ વન-ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
કમલ કમલ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
વ્રજભૂમિના રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
રાસ રમંતી ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
વાજાંને તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
શરણાઈ ને તંબૂરામાં બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
નૃત્ય કરંતી નારી બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
કેસર કેરી ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
આકાશે પાતાળે બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
ચૌદ લોક બ્રહ્માડે બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
ચંદા સરોવર ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
પત્ર-પત્ર શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
આંબો લીંબુ ને જાંબુ બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
વનસ્પતિ હરિયાળી બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
જતીપુરાના લોકો બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
મથુરાજીના ચોબા બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
ગોવર્ધનના શિખરો બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
ગલી ગલી ગહેવરવન બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
વેણુ સ્વર સંગીત બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
કળા કરંતા મોર બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
પુલિન કંદરા મધુવન બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
શ્રી જમુનાજીની લહેરો બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
બા ડાળે કોયલ બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
તુલસીજીના ક્યારા બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
વિરહી જનના હૈયા બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
વલ્લભી વૈષ્ણ સર્વે બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
મધુર વીણા વાજિંત્રો બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
કુમુદિની સરોવરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
તારલિયાના મંડળ બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
રોમ રોમ વ્યાકુળ થઈ બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
મહામંત્ર મન માંહે બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
જુગલ ચરણ અનુરાગે બોલે શ્રીકૃષ્ણ: શરણમ મમ
શ્રીકૃષ્ણ: શરણમ મમ  શ્રીકૃષ્ણ: શરણમ મમ
શ્રીકૃષ્ણ: શરણમ મમ  શ્રીકૃષ્ણ: શરણમ મમ

હવે આપણે કરીએ શ્રી પુરૂષોત્તમ ભગવાનની આરતી અને થાળ જે માટે નીચેની લિંક પર ક્લિક કરો.

No comments: