જય શ્રીકૃષ્ણ ભાઈઓ તથા બહેનો,
હા આજે છે શ્રાવણ સુદ પૂર્ણિમા એટ્લેકે ભાઈ-બહેનનો તહેવાર એટલેકે રક્ષાબંધન. બહેન ભાઈના હાથે તેની લાંબી ઉંમર,સ્વાસ્થ્ય, પ્રગતિ અને સમૃદ્ધિ માટે રાખડી બાંધે અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે. આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં રક્ષાબંધનના તહેવારને બલી રાજા અને લક્ષ્મીજી, કૃષ્ણ ભગવાન અને દ્રૌપદી, રાણી કર્ણાવતી અને મુઘલ બાદશાહ હુમાયુ, યમ અને યમુનાના સંદર્ભમાં ઘણી બધી વાતો સાંભળવા મળે છે, પરંતુ જેના માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે એ છે બલિરાજા અને લક્ષ્મીજી. બલિ રાજા ખૂબ ક્રૂર હતો. સાથે સાથે તે ભગવાન વિષ્ણુનો ઉપાસક પણ હતો. બલિરાજાની ઈચ્છા સ્વર્ગ પર આધિપત્ય જમાવવાની હતી. તેથી ઈન્દ્રએ ગભરાઈને વિષ્ણુ ભગવાનની મદદ માંગી. વિષ્ણુ ભગવાને વામન સ્વરૂપ ધારણ કરીને બલિરાજા પાસેથી ત્રણ પગલાંમાં પૃથ્વી, આકાશ અને પાતાળ બધું જ લઈ લીધું. બલિરાજાને જાણ હોવા છતાં કે ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને આવ્યા છે તેમણે દાન આપ્યું એ સાંભળીને વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. બલિરાજાએ ભગવાન વિષ્ણુને રાત-દિવસ પોતાની સામે રહેવાનું વરદાન માંગ્યું. વિષ્ણુ ભગવાન વૈકુંઠ પાછા ન ફરતાં લક્ષ્મીજી વિહ્વળ બની ગયાં. તેમણે બલિરાજાને ભાઈ બનાવીને રાખડી બાંધી અને વિષ્ણુ ભગવાનને મુક્ત કરાવ્યા. બસ, ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે. જોકે રાખડી એ રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. મહાભારતમાં કુંતા માતાએ અભિમન્યુને સાત કોઠા પાર કરવા માટે રક્ષાસૂત્ર બાંધ્યું હતું.
રક્ષાબંધન ભારત અને નેપાળમાં ઉજવવામાં આવે છે. વિશ્વમાં અન્ય કોઈ દેશમાં આ તહેવારની ઉજવણી નથી થતી. નેપાળમાં રક્ષાબંધનને શ્રાવણી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. તેને જનોઈ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. નેપાળના લોકોમાં આજના દિવસે ક્વાતી નામની વાનગી આરોગવાનું વિશેષ મહત્ત્વ છે. આ વાનગી સાત ધાન્યોમાંથી બનાવવામાં આવે છે.
નાળિયેરી પૂર્ણિમાઃ
ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં રક્ષાબંધનને શ્રાવણી પૂર્ણિમા ઉપરાંત નાળિયેરી પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દરિયાદેવની પૂજા કરવામાં આવે છે અને તેમને નાળિયેર પધરાવવામાં આવે છે.
ગમ્હા પૂર્ણિમા :
ઓરિસ્સામાં રક્ષા બંધનને ગમ્હા પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગાય અને બળદને શણગારવામાં આવે છે. રાધા અને કૃષ્ણના માનમાં ઝુલન યાત્રા કાઢવામાં આવે છે.
કાજરી પૂર્ણિમા :
મધ્ય પ્રદેશ, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં રક્ષા બંધનને કાજરી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતોમાં આ તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોમાં જનોઈ બદલાવવાનું વિશેષ મહત્ત્વ હોય છે.
તો ચાલો આજે શ્રી કપિલ દવેની આ સુંદર રચના.આશા છે કે આપ સૌને ગમશે અને આપના અમૂલ્ય અભિપ્રાયની પ્રતિક્ષા રહેશે.
આજ બહેન ભાઈ ને બાંધશે અમર રાખડી,
આજ બહેન ભાઈ ને દેશે અમર આશીર્વાદ;
ને ભાઈ આપશે બહેનને અમુલ્ય ભેટ સોગાદ,
ભાઈ કરશે બહેનની રક્ષા જીવનભર;
આજ બ્રાહ્મણો બદલાવશે પવિત્ર જનોઈ,
ને આપશે યજમાનોને અમર આશીર્વાદ;
ખારવા નાળિયેર અર્પણ કરી દરિયાદેવને,
કરશે વિનંતિ લાજ રાખજો જીવનભર;
કોઈ કહે છે રક્ષાબંધન,કોઈ કહે બળેવ,
આજ ઘણાં ઉજવશે કહી નાળિયેરી પૂર્ણિમા;
પણ આજ ચોધાર આંસુડે રડશે બહેન,
‘કપિલ’ જેને નહિ હોય સગો ભાઈ.
.................................................
આભાર સંદેશ સમાચારપત્ર


No comments:
Post a Comment