જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૧૪મી નવેમ્બર એટલે ઘણા દિવસોનો સંગમ. આજે છે વિશ્વ બ્લડપ્રેશર દિન "World Blood pressure Day".અને વિશ્વ ડાયાબીટીસ દિન. તથા બાળકોનો દિવસ એટલેકે ચાચા નહેરું નો જન્મદિન જેને આપણે બાળદિન તરીકે ઉજવીએ છીએ.તો સૌ બાળકોને બાલદિનની ખુબ ખુબ શુભકામનાઓ.વળી ગઈકાલે હતો કવિ શ્રી મકરંદ દવેનો જન્મદિન પણ અને આવતીકાલે છે બાળવાર્તાના નિષ્ણાત અને બાળકોના પ્રખ્યાત એવા ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ તો તેમને પણ જન્મદિનની ભાવભીની શુભકામનાઓ.
અને હા મિત્રો, હમણાંથી બ્લોગ પર મળાતું નહોતું કારણકે હમણા કોલેજમાં ખુબ જ વ્યસ્તતા રહે છે, વળી ગયા અઠવાડીયે મારા પપ્પાની નાદુરસ્ત તબિયતને કારણે તેમને આઈ.સી.યુ.માં દાખલ કરવા પડ્યા હતા.જેથી મનનો વિશ્વાસ અપડેટ ન થઈ શક્યો તથા આપ મિત્રો/વડીલોના બ્લોગની મુલાકાત પણ નથી લઈ શક્યો અને આપના અમૂલ્ય પ્રતિભાવોનો પ્રત્યુત્તર પણ નથી આપી શક્યો તો તે બદલ દિલગીર છું.જો કે હવે તેમની તબિયત સુધારા પર છે.તો ચિંતા ન કરતાં.આજે પણ માત્ર મારા નાના બાળમિત્રો માટે જ સમય નિકાળીને આ બાળગીત રજું કરું છું આશા છે આપ સર્વને ગમશે.વળી અહીં મૂકેલ ચિત્ર પણ ફુલમાંથી બનાવેલી ઢીંગલીઓનું છે.અને આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ જોઈશ...
ઢીંગલી મેં તો બનાવી મજાની,
તૈયાર એને હવે કરવાની,
ઢીંગલી મેં તો બનાવી મજાની...(૨)
એનું ઝભલું સીવડાવવા દરજી પાસે જાઉં,
દરજીભાઈ દરજીભાઈ ઝભલું સીવી દો,
લાલ પીળા ઓઢણામાં આભલા જડી દો,
ઢીંગલી મેં તો બનાવી મજાની...(૨)
એના ઝાંઝર બનાવવા સોની પાસે જાઉં,
સોનીભાઈ સોનીભાઈ ઝાંઝર બનાવી દો,
મોતીની માળા ને બંગડી ઘડી દો,
ઢીંગલી મેં તો બનાવી મજાની...(૨)
એની મોજડી સીવડાવવા મોચી પાસે જાઉં,
મોચીભાઈ મોચીભાઈ મોજડી સીવી દો,
લાલ લાલ મખમલની મોજડી સીવી દો,
ઢીંગલી મેં તો બનાવી મજાની...(૨)
એને સુંદર બનાવવા મમ્મી પાસે જાઉં,
મમ્મી મમ્મી પાવડર લગાવી દો,
આંખે આંજળ, ગાલે લાલી લગાવી દો,
ઢીંગલી મેં તો બનાવી મજાની...(૨)
એનો ગજરો ગૂંથાવવા માળી પાસે જાઉં,
માળીદાદા માળીદાદા ગજરો બનાવી દો,
મોગરા ગુલાબનો ગજરો બનાવી દો,
ઢીંગલી મેં તો બનાવી મજાની...(૨)
એને હોંશિયાર બનાવવા બેન પાસે જાઉં,
બેન ઓ બેન એને લખતાં શિખવાડી દો,
એક બે ત્રણ ચાર ગણતા શિખવાડી દો,
ઢીંગલી મેં તો બનાવી મજાની...(૨)
ઢીંગલી મેં તો બનાવી મજાની,
તૈયાર એને હવે કરવાની,
ઢીંગલી મેં તો બનાવી મજાની...


No comments:
Post a Comment