જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે આસો વદ ચૌદશ/અમાસ. અરે બંને સાથે છે એટલે બંને લખ્યા છે, પણ આજે મનાવવામાં આવે છે દીપોનો તહેવાર દિપોત્સવી આપણી દિપાવલી, દિવાળી...તો ચાલો આજે ફરી એક પ્રશ્ન કે મેરાયા એટલે શું? જો જવાબ ન આવડતો હોય તો ગત વર્ષની મનનો વિશ્વાસ પર આજના દિવસે જ રજુ થયેલ રચના શુભ દિપાવલી...મા,મા, દિવાળી આવી.....વિશ્વદીપ બારડ ની ફરી મુલાકાત લઈ લેશો.અને આપ સર્વે મિત્રો/વડીલોને કહેવાનું કે આ વર્ષમાં જો મારાથી કોઈ ભૂલ થઈ હોય કે કોઈનું જાણે અજાણે પણ દિલ દુભાવ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું, અને આપણા મતભેદો ભુલાવી આપણે નવા સંબંધો પ્રસ્થાપિત કરીએ અને આપ સર્વેના આપેલા સાથ સહકાર અને માર્ગદર્શન બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.તથા દિપાવલીની શુભકામનાઓ.
અગિયારશ બારશ ને તેરશ ચૌદશ
ખોળું દિવાળી તને વિસ્મયે ચોદિશ
થઈ અણજાણી કેમ તું લપાણી
ઓ અમારી મનગમતી દિવાળી
“ દીપ જલ્યા છે દ્વારે દ્વારે
ને સંતાડ્યા સ્નેહ અંધારે
શોભે સુસ્વાગતમ ઝૂલતું પ્યારે
ને લટકાવ્યાં છે તાળાં દ્વારે
ને પૂછો મને ક્યાં લપાણી?
ઓલી અમારી ઘરઘરની દિવાળી
સ્વચ્છ આંગણીયે દીપતી રંગોળી
પણ ભમું હું લઈ પરેશાની
નિર્મળ મનથી નથી આવકારા
ને શીદને તું ખોળે દાદાઇ દિવાળી
મેવા મીઠાઈના થાળ છે મોટા
ને દીઠા સબરસ અંતરે છેટા
મથું શોધવા એ કુટુમ્બ કબિલા
કરતા રહેતા સ્નેહ સરવાળા
ને હવે ના પૂછીશ ક્યાં છે દિવાળી? ”
“સાચે જ તને અંતરથી ખોળું
દેવા અજવાળી ભાતે વધામણિ
રાહ જુએ તારી ફટાકડા ઝોલી
આવને મારી વહાલી દિવાળી ”


No comments:
Post a Comment