September 5, 2009

શિક્ષકદિન...નવા યુગનો ચેલો.....રમેશ પટેલ ‘આકાશદીપ’

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૫મી સપ્ટેમ્બર.શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન એટલેકે શિક્ષકદિન.તો આજના દિન પર મારા જીવનમાં આવેલ દરેક નાની-મોટી વ્યક્તિ કે જેને મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે સર્વને મારા વંદન.વળી મારી મિત્ર મન તો શિક્ષક હતી જ અને હવે તો હું પણ મેડિકલ ક્ષેત્રે એક શિક્ષક બની ગયો છું.તો શુભ શિક્ષકદિન.પણ આજે શિક્ષક નહી શિષ્ય પણ કેવા બની ગયા છે તે બાબત પર કટાક્ષ કરતી રમેશભાઈની આ રચના ખરેખર આપને માણવી ગમશે.વળી અહિં ચિત્રમાં લખેલ અંગ્રેજીની કવિતા પણ ધ્યાન આકર્ષિત જરૂર કરશે.


વળી બીજું એ કે આજે છે No Horn Day.તો આજે દરેક વ્યક્તિ બની શકે તો હોર્ન નો ઉપયોગ ટાળી ધ્વનિ પ્રદૂષણનો ફેલાવો અટકાવવાની કોશિશ કરશે તેવી મારી નમ્ર અરજ છે.વળી આજથી શ્રાદ્ધ પક્ષની પણ શરૂઆત થઈ ગઈ છે તો ચાલો આપણા પૂર્વજોને શ્રાદ્ધ તર્પણ કરતા માણીએ આ રચના...






હું ભાઈ નવા યુગનો ચેલો છું
પવન પ્રમાણે શઢ ફેરવી,
લાભ મળે ત્યાં લોટું છુંભાઈ નવા યુગનો..



ભવ્ય આશ્રમ નજરે પડતાં
તુરત જ ડેરા ડાલું છું
ગુરુની પાસે કંઠી બંધાવી
મોબાઈલ લઈ મહાલું છુંભાઈ નવા..



જેની હાકો વાગે સરકારમાં
એ નેતાને પીંછાણું છું
ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે
વિમાન યાત્રાએ શોભું છું..ભાઈ નવા..



છપ્પન ભોગના થાળ દેખીને
દંડવતે ભગવંત શરણું શોધું છું
ભજન ધૂનો ગાઈ માઈકમાં
ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..



એડમીશન ટાણે શાળામાં જઈ
મુખ્ય શિક્ષકને વધાવું છું
ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને
લાડ કરી રીઝાવું છું..ભાઈ નવા..



મેવા માટે કરવી સેવા
એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે
પવન પ્રમાણે શઢ ફેરવી
લાભ મળે ત્યાં લોટું છું
હું ભાઈ નવા યુગનો ચેલો છું.

No comments: