રાધાકૃષ્ણ મિત્રો,
આજે છે ૧૦મી જુન.આજે છે બે ખાસ પ્રસંગ.એક તો આપણા રાજવી કવિ કલાપીની આજે પુણ્યતિથિ છે.તેમની કૃતિઓ તો ખરેખર ખુબ જ અદભૂત છે પણ તેમણે પોતાની જ કવિતાઓ માટે કંઈક આવું કહેલ,
“કવિતા ! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. અને મારી કવિતા પણ એવી જ છે. હું જે કંઇ લખું તે મને આનંદ જ આપી શકે તેવુંયે નથી. હું શેલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઇ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું.”
( તા. 14-1-1898નો પત્ર : ‘કલાપીના 144 પત્રો’ પુસ્તકમાંથી સાભાર )
આવા કવિની એક રચના જે નીચે રજું કરું છું તે બહુ જ ગહન વિચાર આપણા મનમાં વહેતો કરી જાય છે એમ કહી શકાય કે કોઈના જીતેલા વિશ્વાસને ક્યારેય ઠેસ ન પહોંચાડતા કારણ એકવાર વિશ્વાસ જીતવો સહેલો છે પણ તેને નિભાવવો અઘરો છે અને એક વાર વિશ્વાસઘાત થયા બાદ ફરી એ સંબંધ સધાય તો પણ એમાં ક્યાંક તિરાડ તો રહી જ જાય છે.ખરું ને...!!! અને તેમની અન્ય રચના
જે અગાઉ રજું થઈ છે તે જરૂરથી મમળાવશો.અને બીજી વાત બીજી આના પછીની પોસ્ટમાં... અને આપના મહામુલા મંતવ્યો જણાવી મને અભિભૂત કરશો.
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.


No comments:
Post a Comment