જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૭મી એપ્રિલ.આજે છે સ્વ.શ્રી પન્નાલાલ પટેલની ૯૮મી જન્મતિથિ.ગુજરાતના શિરમોર સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ ડુંગરાળ પ્રદેશમાં રાજસ્થાનના માંડલી નામના નાનકડાં ગામડામાં ૦૭-૦૫-૧૯૧૯ના રોજ થયો હતો.માંડ માંડ આઠ ચોપડી ભણેલો ગામડા ગામનો એક છોકરો ગુજરાતી સાહિત્યસર્જન,પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવે એ ચમત્કાર જ કહેવાય...!!! તળપદા લોકજીવનની ભૂમિકાને અણિશુદ્ધ સ્વરૂપે પ્રગટતી તેમની વાર્તાઓ લોકપ્રિય થઈ,માનવીની ભવાઈ, મળેલા જીવ, વળામણાં જેવી આશરે ૪૦ જેટલી નવલકથાઓ ઉપરાંત નાટક,આત્મકથા અને બાલ-સાહિત્યનું પણ તેમણ સર્જન કરેલ છે.તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેમજ ગૌરવવંતો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો.ઈસ ૧૯૮૯માં ૭૭ વર્ષની વયે તેઓ આપણને છોડી ચાલી ગયા.તેમણે શ્રીકૃષ્ણ જીવનલીલા,વાલ્મિકી રામાયણ,મહાભારત અને પુરાણ આધારિત 'પાર્થને કહો ચઢાવે બાણ','લવિંગ કેરી લાકડીએ','શિવ પાર્વતી' જેવી નવલકથા ખુબ રસમય છે.આજે અમદાવાદમાં તેમના પરિવારજનો દ્વારા શરૂ કરાયેલી સંજીવની સંસ્થા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી મેઘાણી પ્રાંગણ,પરિષદ ભવન,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે સાંજે ૬ વાગે ઉજવણી કરવામાં આવવાની છે. તો ચાલો આજે માણીએ તેમની નવલકથાના શિર્ષક પરથી શરૂ થતી મહાકવિ ન્હાનાલાલની આ શૌર્ય પેદા કરતી આ અદભૂત રચના જાણૅ બંને કવિઓનો સંગમ થઈ ગયો....
પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ
ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ
દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ
મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ
નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ
વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ
………………………………………………..
મહાકવિ નાનાલાલ


No comments:
Post a Comment