May 3, 2009

આંતરરાષ્ટ્રીય બાળશ્રમિક દિન...સીતાનવમી...એકવીસમી સદીનાં બાળકનું વેકેશન.....રમેશ પટેલ 'આકાશદીપ'

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૩જી મે.આજનો દિન વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય બાળશ્રમિક દિન તરીકે મનાવવામાં આવે છે.આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં થી ૧૪ વર્ષનાં આશરે સાડા સોળ કરોડ બાળશ્રમિકો છે.જેમને કલાકો સુધી કામ કરવું પડે છે અને તે પણ તમાકુ,ફટાકડા અને રોડ પર મળતી ખાણી-પીણીની હાટડીઓ પર કે જે તેમના માટે જોખમરૂપ છે અને તેમના આરોગ્ય સાથે પણ ચેડાં થાય છે અને તેમનું એક યા બીજી રીતે શોષણ થાય છે.અને તેમાં પણ મોટા ભાગનાં આવા બાળકો ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી ગરીબાઈના કારણે શાળાએ ભણવા પણ જઈ શકતાં નથી અને તેમનાં મા-બાપ પણ ગરીબીને લીધે તેમને આવા જોખમી ધંધામાં મોકલે છે.તેઓ બાળકના ભણતરને બદલે તેમની આવક પર ધ્યાન આપે છે અને તેમના સ્વાસ્થ્યનાં ભોગે પણ તેમને આવા વ્યવસાયમાં જોતરે છે.


દિન ઉજવવાનો હેતું તેમને બાળશ્રમિક તરીકેની કામગીરી કરતાં અટકાવવા, તેમના માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરવી, તેમને શિક્ષણ આપવું, તેમને સારી તાલીમ આપવી,જરુર પડે રાત્રિ શાળાઓ શરૂ કરવી, શિક્ષણને લગતું ઉત્તમ સાહિત્ય પૂરું પાડી તેમને બાળમજુરી રોકી શિક્ષણ પ્રદાન કરવું છે.અને આથી વિશ્વ આરોગ્ય સંસ્થા WHO અને યુનેસ્કોએ મળીને ૨૦૧૫ સુધીમાં બાળશ્રમિકોની હાલત સુધારવા અને બાળમજુરી નાબુદ કરવા નીચે મુજબનાં મુદ્દાઓ પર લાંબા ગાળાનું આયોજન કરી રહ્યાં છે..



. તેમના માટે મફત અને ફરજિયાત શિક્ષણની યોજના બનાવવી.


. આવા બાળશ્રમિકોને શોધી કાઢવા એક રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરવી.તેમને આવી જગ્યાએથી કામ કરતા શોધી તેમને કાયમી રીતે મુક્ત કરવાં, તેમનાં પુનર્વસનની કામગીરી કરવી.


. ખાસ કરીને નાની બાળકીઓ,કિશોરીઓનાં ભણતરમાં આવતાં તમામ અંતરાયો દૂર કરવાં.


. અધવચ્ચે શાળા છોડી જનારા બાળકો પુનઃ શાળામાં જાય અને ફરી શાળા છૂટે તેવી વ્યવસ્થા કરવી.


. આવા બાળશ્રમિકોને ભણાવવા માટેની શિક્ષકોની અછત દૂર કરવી.તે માટે બિનસરકારી સંગઠનોની પણ મદદ લેવી.


તો ચાલો આજે ફરી એક નવો સંકલ્પ કરીએ કે આપણી આસપાસ રહેલા આવા બાળમજુરોને તેમાંથી મુક્ત કરાવી તેઓ ભણી શકે તેવી કોશિશ કરીશું.ફુલ નહી તો ફુલની પાંખડી.પણ આપણૅ કોશિશ કરીશું તો દૂષણનો અંત આવશે અને એક બાળક પાસેથી તેનું બાળપણ નહી છીનવાય.હવે નિર્ણય આપણાં હાથોમાં છે.


વળી આજે છે વૈશાખ સુદ નોમ એટલે કે માતા જાનકીના પ્રાગટ્યનું પાવન પર્વ સીતાનવમી.રામનવમી બધાને યાદ હશે પણ સીતાનવમીની કદાચ ઘણા ઓછાને ખબર હશે.જેમ આઠમ રાધ અને કૃષ્ણ સાથે સંકળાયેલ છે તેમ નોમ સીતા અને રામ સાથે સંકળાયેલ છે.કહે છે કે વૈશાખ માસની સુદ નવમીએ જ્યારે પુષ્ય નક્ષત્ર હતું ત્યારે મંગલ દિવસે સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી યજ્ઞની ભૂમિ તૈયાર કરવા માટે રાજા જનક હળ વડે ખેડી રહ્યાં હતા તે સમયે પૃથ્વીમાંથી સતી સીતાનું પ્રાગટ્ય થયું હતું.ખેડેલી ભૂમિને તથા હળની અણીને પણ સીતા કહે છે આથી તેમનું નામ સીતા રાખવામાં આવેલ.તો આવા સતી સીતાને ભક્તિપૂર્વક વંદન કરી પુજા અર્ચના કરીએ.આજે સીતામાતાને અનુલક્ષીને કોઈ કવિતા નથી મુકી રહ્યો પણ અગાઉ રજૂ થયેલ નીચેની રચનાઓ આપને ફરી માણવી ગમશે.


મારા રામ તમે સીતાજીની તોલે ન આવો….અવિનાશ વ્યાસ


લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો !…..



અને વળી ગઈકાલે મોટા ભાગનાં બધા બાળકોનાં પરીક્ષાનાં પરિણામ આવી ગયાં હોવાથી ખરાં વેકેશન અને રજાનો માહોલ તો હવે શરૂ થયો છે.પણ હવે તો માતા-પિતાને રજાનો ગાળો ખુબ ત્રાસદાયક લાગે છે અને બાળકોના તોફાનથી કંટાળી તથા હરિફાઈના યુગમાં પોતાનું બાળક પાછું રહી જાય માટે જાત જાતનાં અને ભાત ભાતનાં ક્લાસીસમાં બાળકને મુકશે અને બિચારાં બાળકો જાણે ભણતરમાંથી છુટ્ટી મળી હોવા છતાંયે આમાં વ્યસ્ત થવાથી મુક્ત મને રમી કે ખેલ-કૂદ કરી નથી શકતા, અને જાણે અજાણે પણ આપણે તેમના બાળપણનો ભોગ લઈ રહ્યાં છીએ.બસ કંઈક આવા વિચારો સાથે રમેશભાઈ પટેલની રચના એકવીસમી સદીનાં બાળકનું વેકેશન માણવી ગમશે...અને ગત વર્ષે રજું થયેલ એક બાળગીત


આહા આવ્યું વેકેશનબાળગીત.


પણ જરૂરથી માણજો.અને બાબતે આપનો મંતવ્ય પણ આપશોને….









દફ્તર પાટીને દિધી છૂટ્ટી,હલકા ફૂલકા થઈ રમશું માડી
ધીંગા મસ્તી નદીની રેતી, ઝૂલવું હવે પીપળની ડાળી.


રજાની મજા લીમડાની છાયા, ગીલ્લી દંડા સંગ રમશું લખોટી
બાળપણ વ્હાલું રમતું ન્યારું, હરખે કરશું વેકેશન ઉજાણી



ઓટલે બેસી વડીલ વીચારે,ભૂલકાંની બેહાલી
શાળાની છૂટ્ટી ,વીકાસ વ્યાધીએ હાય કેવી લૂંટી



વિજ્ઞાન યુગમાં માનવ તને દીઠો યંત્ર થાતાં
વેકેશન વર્ગના ભરમાળે બીચારા બાળારાજા ફસાણા



હરીફાઈ ક્રીએટીવના ખ્યાલોમાં બાળપણ નંદવાયું
પ્રકૃતી ખોળે રમતા ઝૂમતા હરખવાનું ભૂલાયું



ભોળા શીશુ ભોળી નાદાની, ગમે ધીંગા મસ્તી
નવા જમાને છીનવી લીધી, બાળપણની મહામૂડી

No comments: