જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૧લી મે.આપણા ગુજરાતનો સ્થાપના દિન.અને સાથે સાથે આજે છે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિન પણ અને વળી સંગીતના ચાહકો એક નામ તો કેવી રીતે ભૂલે કારણ આજે છે સુર સરતાજ એવાં મન્ના ડે નો જન્મદિવસ પણ.૧લી મે ૧૯૬૦ના રોજ મુંબઈમાંથી ગુજરાત અલગ પડેલ અને મૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી આશ્રમમાં ગુજરાતની સ્થાપનાની ઉજવણી કરવામાં આવેલ તો ચાલો આજે આપણા રમેશભાઈ રચિત આ કૃતિ કંઈક એ જ પ્રસંગને આપણી નજર સમક્ષ જીવંત કરી રહ્યા છે.
વળી ગઈકાલે ૩૦મી એપ્રિલ હતી આપણા ગુજરાતમાં લોકસભાના ત્રીજા તબક્કાના મતદાનનો દિવસ.તો આશા છે આપ સર્વે મિત્રો/વડીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવારને મત આપ્યો હશે. વળી ગઈકાલે ફિલ્મજગતના પ્રણેતા એવા દાદાસાહેબ ફાળકે નો જન્મદિન પણ હતો પણ સામાજિક કારણસર વ્યસ્ત હોવાથી કાલે કોઈ પોસ્ટ રજૂ ન કરી શક્યો પણ હા ગત વર્ષે આ જ દિન પર તેમના વિષે મુકેલ માહિતી ફરીથી મમળાવવા માટે
દાદાસાહેબ ફાળકેનો જન્મદિવસ જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે ….કલાપી
ની મુલાકાત જરૂરથી લેશો.અને અત્યારે માણીએ રમેશભાઈ પટેલ 'આકાશદીપ'ની આ રચના ગુજરાત સ્થાપના દિન પર. અને આપનો અમૂલ્ય અભિપ્રાય પણ જરૂરથી આપશો.
જય જય ગરવી ગુજરાત.

વ્હાલું રતન મારું ગુર્જર વતન
પહેલી મે એ પથરાયા અજવાળા
પધાર્યા રવિ આકાશે કંકુવરણા
પ્રગટાવે દીવડા રવિશંકર મહારાજા
રાજ ગુજરાતની હરખે ગાઓ ગાથા
બાંધતી ગુર્જરી પાવન બંધન
ખીલ્યું ગગન ને સાગર ઢોળે પવન
પંખીડાં ગીત ગાઈ કરતાં રંજન
શુભ દિન પહેલી મે એ ગાશું કવન
સાત સાગરે ધર્યા પ્રેમના સ્પંદન
સંપદાથી શોભતાં વગડાં ને વન
પાવન સરીતાને કરી એ વંદન
વહાલું રતન મારું ગુર્જર વતન
સંતોને વીરોની ભૂમિ આ મહાન
ધરતીના કણકણમાં રમતું શૂરાતન
પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ
કરશું વંદન શીરે બાંધી કફન
નવયુગના ઝૂમે આજ સ્વપ્નો ગગન
અહીંસા આદરથી રેલાવીએ અમન
ગાંધી સરદાર અમારી વિભૂતીઓ મહાન
માત ગુર્જરીને કરીએ ભાવે વંદન.
વતન અમારું પ્યારું ન્યારું, અમે બહૂરંગી ફૂલ
પ્રેમ ધરમે રમાડે હૈયાં માનવતાનાં મૂલ
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

No comments:
Post a Comment