જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે ૨૩મી એપ્રિલ.આજના દિને જ ઈસ ૧૫૬૪માં પ્રખ્યાત નાટ્યકાર અને લેખક વિલિયમ શેક્સપિયર નો જન્મ થયેલ અને ઈસ ૧૬૧૬મા તેમનું આ જ દિને અવસાન થયેલ તેથી યુનેસ્કો દ્વારા આજના દિનને “વિશ્વ પુસ્તક દિન ” તરીકે મનાવવામાં આવે છે.અને વળી આમાં ઉમેરો કરી સાથે સાથે આ દિનને કોપીરાઈટ દિન તરીકે પણ ઉજવાય છે.તો આજના દિને આપણૅ આપણા પુસ્તક વાંચનના શોખને ફરી જાગૃત કરીએ.અને સાથે સાથે કોપીરાઈટના અધિકારને માન્ય રાખી પ્રણ લઈએ કે એક બ્લોગર કે પછી કાવ્ય કે જિંદગીના કોઈપણ ક્ષેત્રમાં બીજાએ કરેલા કામની પ્રશંસા કરી તેનો શ્રેય તેને જ આપીશું અને તેની મહેનત લગન લાગણીઓને આપણા નામે નહી ખપાવી દઈએ.અને જો તેને આપણા કાર્યમાં ઉપયોગ કે બ્લોગમાં સ્થાન આપીએ તો પણ જે તે કવિનું નામ જરૂર પ્રકાશિત કરીએ તથા જો કોઈ અન્ય બ્લોગ પરથી કોઈ માહિતી લીધેલ હોય તો તેનો પણ સંદર્ભ જરૂરથી આપીશું.અને આ માર્ગે પહેલ કરનારા અને સાચી રાહ ચીંધનારા ફન એન ગ્યાનનાં વિનયભાઈ ખત્રીને પણ ખુબ ખુબ ધન્યવાદ.અને આશા છે કે દરેક મિત્રો આમાં સાથ સહકાર આપશે.આખરે જો કોઈ આપણી કરેલ મહેનતનો જશ ખાટી જાય તો આપણને કેવું લાગે ? તો એમ જ જો આપણે કોઈનો હક છીનવીએ તો તેને પણ ખરાબ લાગે ને...
આ પોસ્ટ માટે કઈ રચના મૂકું તે વિચારી રહ્યો હતો ત્યાં યાદ આવ્યું કે ફોર એસ વી - પ્રભાતનાં પુષ્પો પર રમેશ પારેખની રચના મારા પુસ્તકોની છાજલી વાંચેલી.અને પુસ્તકો વિશે આટલી ગહનતાથી કરેલ વાત માટે આજ થી સુંદર દિન બીજો કયો હોઈ શકે.??? વળી આ અછાંદસ કાવ્યમાં રચાયેલ પુસ્તકોનો સંવાદ, ધર્મવાદના નામે લડતા લોકોને અપાયેલ ઉચ્ચ કોટીની શીખ અને પુસ્તકોની પવિત્રતા અને મહાત્મય દર્શાવતું આ કાવ્ય સાચે આપને પણ આપના શ્રેષ્ઠ મિત્ર પુસ્તકો સાથે આપની મિત્રતાની દોરી અતૂટ બાંધી દેશે.તો ચાલો માણીએ રમેશ પારેખની આ રચના..આને આપ પણ આ વિષય પર આપનો મંતવ્ય જણાવશો ને...!!!
છાજલી પર પુસ્તકો અ થી જ્ઞ સુધીનાં....
દુનિયાના નકશા જેવો
મારો અભ્યાસખંડ લટકે છે વિશ્વમાં,
'છાજલી પર પુસ્તકો' - એમ કહું કહું ત્યાં
છાજલી તળે ઠોકેલા ખીલા મને કરે છે ચૂપ.
તે કહે છે : ‘ આ તો ફરિશ્તાઓની વસ્તી છે ! ’
ને છાજલી હકારમાં વધુ ઝૂકે છે...
અહીં શબ્દોનો બગીચો મઘમઘે છે
- એમ બબડતું કોઇ પુસ્તક.
મારાં બે પૃષ્ઠ વચ્ચે છે સ્વર્ગ
- એવું જાહેર કરે કોઇ ઝીણકુડી ચોપડી.
ખોખરા અવાજે બોલે છે શબ્દકોશ :
‘અલ્યા, અહીં તો બધી ભાષાઓ ગાય છે ગીત.
ગીત - ફૂટપાથ પર ઠૂંઠવાતા ભિખારીઓનાં,
ગીત - ખૂણે બેસી આસું પાડતી નવવિધવાનાં,
ગીત - યુદ્ધમાં કપાઈ ગયેલા સૈનિકોનાં,
ગીત - ભૂખથી વલવલતાં શિશુઓનાં,
ગીત - હોસ્પિટલમાં કણસતાં રુગ્ણોનાં, ગીત - માનવ્યનાં,
ગીત - માનવ્ય માટે ઝૂઝતાં ચપટીક શ્વાસોનાં,
ગીત - નિઃશ્વાસ નાખી રસ્તે જતા થાકેલા પ્રવાસીનાં '
'અહીં ફિલસૂફોએ, ઉકેલી નાખ્યો છે કાળનો કોયડો...'
- એમ ધીમેકથી કહે કોઈ જર્જરિત ચોપડી -
'આ બધાં ગ્રંથો છે સમાજની યાદદાસ્ત'
- એમ કહી ટપ્પ કરતું નીચે પડે કોઈ પુસ્તક.
મારા અભણ કપાળમાં શબ્દનું ટીલું.
અહીં અક્ષર છે, ધર્મ - જે ખંડિત કરતો નથી કશું,
જે બનતો નથી કદી પશુ,
બે પૃષ્ઠ વચ્ચેથી નીકળી તે કોઈનાં ઘર કે સપનાં સળગાવતો નથી.
નથી ભોંકતો કોઈને છૂરો.
અહીં મંદિરની જગ્યાએ મૂકો મસ્જિદની ચોપડી,
તો બકરીય કરે નહીં બેં. એવું રામરાજ્ય છે !
અહીં એકે અક્ષર નથી ધર્માંધ. અહીંથી જ ઊગે છે સૂર્ય
જે અજવાળે છે ભીતરી બ્રહ્માંડ...
ચાચા ગાલિબ એના દીવાનમાંથી,
ડોકિયું કરી પૂછે: ‘ તું કોણ ? ’
તો હોઠ બોલી ઊઠે – ‘ હું મુસલમાન ! ’
મીરાં, કબીર, તુલસી, નાનક
પૂછે તારું ક્યું થાનક, જ્ય આં તું ટેકવે તારું મસ્તક
ને ભીડ પડ્યે કોને દરવાજે ધૈ તું દસ્તક ?
તો હું ચીંધું મારા પુસ્તકની છાજલી...
ખ્રિસ્ત, બુદ્ધ કે મહાવીર મને ક હીંધે દિશા
પુસ્તકમાં જાય - આવે મારા વ ઈચાર લિસ્સા !
મારી છાજલી રામની જન્મભૂમિ નથી,
એ તો છે વૃંદાવન,
જ્યાં વિશ્વની તમામ સુંદરતા
ગોપી બનીને રાસ રમે
મારું અંતર એમાં ફેરફોદરડી ભમે...
ધર્મનો ધ
બે પૂઠાં વચ્ચેથી નીકળીને
બીજાં પુસ્તકમાં વધ કરવા નથી જતો...
તો ઉપદેશકો, હોશિયાર !
મારી છાજલી પર પુસ્તકોની કતાર,
જેમાં પ્રત્યેક ધર્મ ને મનુષ્ય પ્રતિષ્ઠિત પુરબહાર...
તમારાં કંઠી કંઠા મારા અભ્યાસખંડને ન અભડાવે
બિભત્સતા મારા ખંડનાં બારણાં ન અભડાવે
તો બસ.
આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગા છે -
મારા પુસ્તકોની છાજલી.
મારો અભ્યાસખંડ તીર્થ છે, મારાં માંહ્યલાનું,
તમે આવો તો તમારું ય !
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
આભાર ફોર એસ વી - પ્રભાતનાં પુષ્પો


No comments:
Post a Comment