April 3, 2009

રામનવમી …રામ રમે સોગઠે રે…..

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે આમ તો ચૈત્ર સુદ આઠમ છે પણ નોમનો ક્ષય હોવાથી બપોર બાદ નોમ ગણવામાં આવે છે.તો આજે છે ચૈત્રી નવરાત્રીનું છેલ્લું નોરતું અને વળી હવે બપોર થઈ ગઈ હોવાથી આજે રામનવમી પણ છે.રામનવમી એ સમગ્ર જગતને માટે એક સૌભાગ્યનો દિવસ છે કેમકે અખિલ વિશ્વપતિ સચ્ચિદાનંદધન શ્રી ભગવાન આ દિવસે રાવણના અત્યાચારથી પીડાતી પૃથ્વીને સુખી કરવા અને સનાતન ધર્મની મર્યાદાની સ્થાપના કરવા માટે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામના રૂપમાં પ્રકટ થયા હતા. અગસ્ત્થ સંહિતા અનુસાર ચૈત્ર સુદ નોમના દિવસે પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્નમાં જ્યારે સૂર્ય અન્યાન્ય પાંચ ગ્રહોની શુભ દૃષ્ટિની સાથે મેષ રાશિ પર બિરાજમાન હતો ત્યારે સાક્ષાત ભગવાન શ્રીરામનો માતા કૌશલ્યાના ગર્ભથી જન્મ થયો હતો.


શ્રી રામ અખિલ વિશ્વના એક પ્રાણારામ છે. સર્વવ્યાપી નારાયણ સૌના છે, સર્વમાં છે, સૌની સાથે સદા સંયુક્ત છે અને સર્વમય છે. જે પણ કોઈ જીવ તેમની આદર્શ મર્યાદા - લીલા, તેમના પુણ્ય ચરિત્રનું શ્રદ્ધપૂર્વક ગાન, શ્રવણ અને અનુકરણ કરે છે, તે પવિત્ર હૃદય બનીને પરમ સુખને પ્રાપ્ત કરી શકે છે. શ્રીરામ સમાન આદર્શ પુરુષ, આદર્શ ધર્માત્મા, આદર્શ નરપતિ, આદર્શ મિત્ર, આદર્શ ભાઈ, આદર્શ પુત્ર, આદર્શ ગુરુ, આદર્શ શિષ્ય, આદર્શ પતિ, આદર્શ સ્વામી, આદર્શ સેવક, આદર્શ વીર, આદર્શ દયાળુ, આદર્શ શરણાગત, વત્સલ, આદર્શ તપસ્વી, આદર્શ સત્યવાદી, આદર્શ દૃઢપ્રતિજ્ઞા તથા આદર્શ સંયમી હતા. જગતના ઈતિહાસમાં શ્રીરામની તુલનામાં એક શ્રીરામ જ છે. સાક્ષાત્ પરમપુરૂષ પરમાત્મા હોવા છતાં પણ શ્રીરામે જીવોને સત્યપથ પર આરૂઢ કરાવવા માટે એવી તો આદર્શ લીલાઓ કરી કે જેનું અનુકરણ સઘળા લોકો સુખપૂર્વક કરી શકે છે. શ્રીરામનો જન્મ દિવસ ચૈત્ર સુદ નોમ છે. સૌ શ્રીરામને સાક્ષાત્ ભગવાન અને પોતાના આદર્શ પૂર્વ પુરુષના રૂપમાં અવતરિત થયેલ માને છે. તો ચાલો આ રામનવમીના વ્રતની વિધી પણ જાણી લઈએ.


ચૈત્ર સુદ નોમને દિવસે શ્રી રામનવમીનું વ્રત હોય છે. આ વ્રત મધ્યાહ્ન વ્યાપિની દશમી વિદ્યા નવમીએ કરવું જોઈએ. અગસ્ત્ય સંહિતામાં કહ્યું છે કે જો ચૈત્ર સુદ નોમે પુનર્વસુ નક્ષત્ર યુક્ત હોય અને તે મધ્યાહ્નના સમયે તે રહે તો તે મહાન પુણ્યદાયિની હોય છે. પુનર્વસુ નક્ષત્રથી યુક્ત નોમની તિથિ સઘળી કામનાઓને પૂર્ણ કરનારી છે. અષ્ટમીવિદ્યા નોમ વિષ્ણુ ભક્તોએ છોડી દેવી જોઈએ. આ નોમના દિવસે વ્રત તથા દશમના દિવસે પારણાં કરવા જોઈએ. જે રામનવમીનું વ્રત કરે છે તેનાં અનેક જન્મોનાં પાપોનો નાશ થઈ જાય છે અને તેને ભગવાન વિષ્ણુનું પરમપદ પ્રાપ્ત થાય છે. શ્રીરામનવમીના વ્રતથી ભક્તિ અને મુક્તિ એ બંનેની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.


શ્રીરામનવમીના દિવસે પ્રાતઃ કાળે નિત્યકર્મમાંથી પરવારી પોતાના ઘરના ઉત્તર ભાગમાં એક સુંદર મંડપ બનાવી લેવો. મંડપના પૂર્વ દ્વાર પર શંખ, ચક્ર તથા શ્રી હનુમાનજીની સ્થાપના કરવી. દક્ષિણ દ્વાર પર બાણ, ધનુષબાણ તથા શ્રી ગરુડજીની, પશ્ચિમ દ્વાર પર ગદા, ખડગ અને શ્રી અંગદજીની અને ઉત્તર દ્વાર પર પદ્મ, સ્વસ્તિક અને શ્રી નીલજીની સ્થાપના કરવી. વચમાં ચાર હાથ વિસ્તારની વેદિકા હોવી જોઈએ, જેમાં સુંદર તોરણ બાંધેલું હોવું જોઈએ. આ પ્રકારની તૈયારી કરી મંડપની મધ્યે ભગવાન શ્રી સીતારામને સ્થાપિત કરી વિવિધ ઉપચારોપૂર્વક યથાવિધિ પૂજન કરવું. તે પછી નીચે આપેલા મંત્રથી ભગવાનની આરતી કરવી જોઈએ.


મંગલાર્થ મહીપાલ નીરાજનમિદં હરે I


સંગૃહાણ જગન્નાથ રામચન્દ્ર નમોડસ્તુતે II


અર્થાત્ હે પૃથિવીપાલક ભગવાન શ્રી રામચન્દ્ર આપના સર્વવિધ મંગળને માટે આ આરતી છે. હે જગન્નાથ ! તેનો આપ સ્વીકાર કરો. આપને પ્રણામ છે.


ઉપરોક્ત શ્લોકના રટણ સાથે કોઈ શુદ્ધ પાત્રમાં કપૂર તથા ઘીની દીવેટોથી ભગવાન શ્રી સીતારામજીની આરતી ઉતારવી જોઈએ. અંજલિમાં પુષ્પ લઈને આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. દેવોના દેવ, શાર્ડુ, ધનુર્ધર, ચિન્મયા, અનંત રૃપ ધારણ કરનારા, સીતાપતિ ભગવાન શ્રી રઘુનાથજીને વારંવાર પ્રણામ છે. મંદિરોમાં પણ ભગવાનને પંચામૃતસ્નાન, યથાવિધિ પૂજન તથા પંચાજીરી અને ફળોનો ભોગ ધરાવી મધ્યાહ્ન કાળમાં (બાર વાગે) વિશેષ આરતી અને પુષ્પાંજલિ વગેરે કરવાની એક પરંપરા છે.


વ્રતાર્કઅનુસાર રામનવમીનો દિવસ સાંસ્કૃતિક પાવનતાનો એકચ્છત્ર રામરાજ્યનો દિવસ છે. શ્રીરામ વિશ્વમૂર્તિ છે, જ્ઞાનગમ્ય છે, સર્વાત્મા છે. તેમના જીવનનો એક જ જીવનમંત્ર હતો - ભૂમા વૈ સુખં નાલ્યે સુખમસ્તિ I અર્થાત્ બધાની સાથે ચાલવામાં જ સાચું સુખ છે, અલ્પમાં નથી. શ્રી રામનવમી આપણને એ સાંસ્કૃતિક સંદેશ આપે છે. પોતાને શુદ્ધ કરો, જ્ઞાનની સીમાનો વિસ્તાર કરો, આત્માની સાથે જ વિશ્વાત્માને ઓળખો તથા સદ્ભાવ, સમભાવ અને સહજ ભાવે પોતાના જીવનને સફળ અને સાર્થક બનાવો. રામની ભક્તિમાં લીન થઈને રામ બની જાઓ. શ્રી રામાર્પણ મસ્તુસ્વયં આનંદિત રહીને બીજાઓને આનંદિત કરવા એ જ રામનું સાચું રામત્વ છે.


તો ચાલો આ શુભદિને આ સંકલ્પ કરીએ અને આજે માણીએ ભગવાન શ્રી રામની જીવનગાથા ગાતું એક સુંદર લોકગીત.આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે.... આ માહિતી માટે સંદેશનો આભાર.


ram-sita1



સ્વર :– મયુર કણઝરિયા, રઘુવીર કુંચાલા




 





હે મારો રામ રમે સોગઠે રે,ધરમના સોગઠે રે,


હે એવી સવળી બાજી છે મારા રામની...(૨)



હે પહેલી બાજી રમિયા રામ અવધપુરીમાં જઈ,


તિલક તાણીયાં રે,તિલક તાણીયાં રે,


હે એવી સવળી બાજી છે મારા રામની...(૨)



હે બીજી બાજી રમિયા રામ જનકપુરીમાં જઈ,


ધનુષ તોડીયા રે, ધનુષ તોડીયાં રે,


હે એવી સવળી બાજી છે મારા રામની...(૨)



હો ત્રીજી બાજી રમિયા રામ ક્રિષ્કીન્ધામાં જઈ,


વાલી માર્યો રે,વાલી માર્યો રે,


હે એવી સવળી બાજી છે મારા રામની...(૨)



હે ચોથી બાજી રમિયા રામ લંકાનગરી જઈ,


રાવણ માર્યો રે,રાવણ માર્યો રે,


હે એવી સવળી બાજી છે મારા રામની...(૨)



હે મારો રામ રમે સોગઠે રે,ધરમના સોગઠે રે,


હે એવી સવળી બાજી છે મારા રામની...(૨)

No comments: