February 14, 2009

વેલેન્ટાઈન ડે...પ્રિય દીદીનો જન્મદિવસ...મનના વિશ્વાસનો પણ જન્મદિવસ...પૂછુ રાધાને મીરાને એક વાતલડી.....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો પણ જન્મદિવસ.


આશરે દોઢેક વર્ષ પહેલા જ ઈન્ટરનેટ પર ટહુકો, ઉર્મિસાગર, લયસ્તરો અને શબ્દો છે શ્વાસ મારા ની ઓચિંતી જ મુલાકાત લેવાયેલી અને પહેલી વાર ગુજરાતી સાહિત્યની નજીક આવેલો. હા પહેલા વિવિધભારતીમાં ગુજરાતી ગીતો સાંભળતો પણ આટલી રસપુર્વક નહી.અને કવિતામાં રુચી વધી.અને ગુજરાતી કવિતાઓનું કલેક્શન મેં મારી પાસે જોયું તો મને વિશ્વાસ ન થયો કે મારી પાસે આટલી બધી રચનાઓ છે જે મે વાંચી પણ નથી.પછી તે વાંચતો ગયો અને તેના ભાવને પણ સમજતો ગયો અને હજું પણ ચાલું જ છે.આ બધી વાત મેં મારી મિત્ર મન ને કરી તો તેમણે મને સૂચન આપ્યું કે તારી પાસેની જે રચના છે તેને વહેતી મૂક તુ પણ તારો બ્લોગ શરૂ કર.ગમતાનો તો ગુલાલ હોય ગુંજે ન ભરાય.અને તેમણે પણ પોતાની રચના મને મુકવા આપશે તથા યથાયોગ્ય મદદ કરશે તેવું વચન આપ્યું અને મારી દીદીએ પણ મને આ માટે પ્રેર્યો.તો આ માટે તો હું સાવ નવો નિશાળિયો હતો.પહેલા તો ગુજરાતી કી-પેડ શોધ્યું.પછી અચાનક જ વર્ડપ્રેસ પર જઈ ચયો અને ત્યાં બ્લોગ બનાવવા માટેની થોડી આછી પાતળી સમજ મળી.વિશાલભાઈ મોણપરા તથા અન્ય લોકોની મદદથી અને વર્ડપ્રેસની હેલ્પની મદદથી આ બ્લોગને શરૂ કરવાનૉ નિર્ધાર કર્યો.પણ નામ શું રાખવું તેની વિમાસણમાં હતો તો મન એ મને "વિશ્વાસ" એ ઉપનામ આપ્યું અને મને શુભકામનાઓ આપી.આમ એમના મનના વિશ્વાસથી આ સપનું સાકાર થયું અને આખરે ૧૪મી ફેબ્રુઆરી ૨૦૦૮ ના રોજ "મનનો વિશ્વાસ" નામક મારા આ બ્લોગનો જન્મ થયો અને આ બ્લોગ મેં સમર્પિત કર્યો છે મારી દીદીને તેના જન્મદીનની ભેટરૂપે તથા મારી મિત્ર મનને સંયુક્ત રીતે.ને પછી સમય જતાં સુર સાથે મુકી શકવા HYPERWEBENABLE.com ની મદદ્થી સુલભગુર્જરીનું આગમન થયું.પણ મનના વિશ્વાસથી તો હંમેશા જોપ્ડાયેલો રહીશના વચન સાથે અહી હું બંને બ્લોગ સમાંતરે ચાલી રહ્યાં છે.



અને સૌ પહેલી પોસ્ટ મુકેલ ઉર્મિબેનની પ્રેમ એટલે અને આજ સુધીમાં સૌથી વધું જોવાયેલી પોસ્ટ આ રચના જ છે,અને આજે જુઓ આપ સર્વે મિત્રો ના સાથ અને સહકારથી આ બ્લોગ પર ૧૭૪ રચનાઓ પ્રદર્શિત થઈ છે અને આજની ૭ રચનાઓ ઉમેરાતા ૧૮૧ રચનાઓ થઈ જશે. જેમાં જુદા જુદા ૧૧૪ કવિઓની રચનાઓ છે અને ત્રણ પાના જેમાં અપડેટ કરેલ ગુજરાતી બ્લોગ જગતનું લિસ્ટ પણ છે જેની મદદથી ગાયત્રી જ્ઞાનમંદિરના કાન્તિભાઈએ વધું સુંદર તાંતણે બધાને જોડ્યા છે.તથા આપ સર્વેના ૧૬૮થી વધું પ્રતિભાવો પણ આવ્યાં છે. અને ૪૩૭૬થી પણ વધું મિત્રોએ મુલાકાત લીધી છે. તો આપ સર્વે મિત્રોના સાથ અને સહકાર બદલ આપનો ખુબ ખુબ આભાર.બસ આમ જ સાથ સહકાર આપતા રહેશો તેવી આશા.


અને હા મને સતત પ્રોત્સાહન અને મદદ કરતા રમેશભાઈ પટેલ' આકાશદીપ’, જયેશભાઈ ઉપાધ્યાય, ડૉ.ચંદ્રવદન મિસ્ત્રી, કેયુરભાઈ,વિતલ પટેલ,ધવલભાઈ,ડો.વિવેકભાઈ ટેલર, ઉર્મિબેન, જયશ્રીબેન, પ્રજ્ઞાજુબેન, ચિરાગભાઈ, ચેતનાબેન, પિન્કીબેન, બીનાબેન તથા સર્વે કદાચ ઘણાના નામ રહી ગયા છે તે સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.


અને હા આજે આવા સુંદર પ્રસંગે કુલ ૭ રચનાઓ આજે પ્રસ્તુત કરું છું.



૧) પૂછુ રાધાને મીરાને એક વાતલડી... { સુર સાથે}


૨) આવો માંડીએ પ્રેમની રે વાત...રમેશભાઈ પટેલ' આકાશદીપ'


૩) પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી...મુકુલ ચોક્સી { સુર સાથે}


૪) એ પ્રેમ છે..."મન"


૫) પ્રેમ ઉર્ફે ત્યાગ..."મન"


૬) તો બેધડક તું મારી પાસે આવજે...ઊર્મિબેન


૭) એમ પૂછીને થાય નહી પ્રેમ...તુષાર શુક્લ { સુર સાથે}






અને તેમાંની આ રચના ઊપર રહેશે.કારણકે ગયા વર્ષે ઉર્મિબેનના શબ્દોમાં પ્રેમની પરિભાષા આપ સર્વેએ જોઈ તો હવે તેન સાચી રીત પણ જાણવી જોઈએને.આ રચના ચેતનાબેનના બ્લોગ પર સાંભળૅલી ત્યારથી ગમી ગયેલી અને આ રચના આખરે ગોતીને અહી રજું કરું છું. તો આપ સર્વેને આ બધાનો લાભ લેવા વિનંતી છે. અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે.



krishna-radha-mira





પૂછુ રાધાને મીરાને એક વાતલડી,


પૂછુ રાધાને મીરાને એક વાતલડી,હો છાની વાતલડી.



સાચી શું છે બતાવો ને રીત,કરવી મારે પ્રીતલડી.


પૂછુ રાધાને મીરાને એક વાતલડી,હો છાની વાતલડી.



અરે પ્રીત કરી જાણી છે ચકોરે,સદા ચંદ્રની સાથ,


દૂર રહીને પ્રીત્યુ માણે,માગે નહી સંગાથ.



અરે દૂર છે સુરજ સુર્યમુખીથી તોય મુખ મલકાય,


મનડું મળૅ જ્યાં ટાઢક તનડે,સાચા પ્રેમની વાત.



ઓઢી ઓઢી કસુંબલ રે તારી ચૂંદલડી,ઓ સાયબા ચૂંદલડી,


ભર્યા હેતનાં દરિયા રે,છલોછલ આંખલડી.



પ્રીત ભરી તારી આંખલડીમાં,વરસે અમૃતધાર,


એ અમૃતનું પાન કરું હું ધન્ય થયો અવતાર.



અરે મોંઘી તારી પ્રીતલડીમાં સઘળૉ પ્રેમનો સાર,


મળજો તારો સાથ ભવોભવ,સતી પદમણી નાર.



અમે પ્રેમી પંખીડા રે કરીએ વાતલડી,હો મીઠી વાતલડી,


ભવોભવની અમારી છે પ્રીત,અખંડ રહેજો પ્રીતલડી.

No comments: