January 26, 2009

ધરતીકંપ...તમને છોડીને હું કેવી રીતે જાઉં ?.....રમણલાલ સોની

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૬મી જાન્યુઆરી.આમ તો આજે પ્રજાસત્તાક દિન છે પણ આપ સર્વે કહેશો કે હિતેશ કંઈક રમણલાલ સોનીની વાત કરવાનો હતો તે ભૂલી ગયો કે શું? પણ એ પહેલા કંઈક યાદ આવે છે સને ૨૦૦૧માં આજ દિને સવારે ૮.૪૫ કલાકે આવેલો ધરતીકંપ આખા ગુજરાતને હલાવી ગયેલ ખરુંને.અને તેની તો યાદ આવતા જ ધ્રુજી જવાય છે.પણ આવા ધરતીકંપમાં પણ રમણલાલ સોનીના જીવનમાં બનેલો આ પ્રસંગ કંઈક અનેરી ભાત પાડે છે.વહુ જ્યારે ઘરમાં આવે ત્યારે તેને પારકી દીકરી જ ગણવામાં આવે છે પણ તેમની પુત્રવધુની આવી ઉદ્દાત ભાવના જોઈને તો સાચે જ થાય એ દીકરી તો સાચે સાસરીયાની પણ દીકરી જ છે તો અહીં પ્રસ્તુત કરું છું રીડગુજરાતીમાં થી મળેલ રમણલાલ સોનીના શબ્દોમાં જ તેમનો આ સ્વાનુભવ.આજે આ પોસ્ટ માત્ર તેમની આ ભાવના બદલ તેમને અર્પણ કરું છું.અને હાં ગુજરાત સમાચારમાં લેખ લખતા એક લેખકનો સ્વાનુભવ રમણલાલ સોનીને મળેલા ત પણ માણવા જેવો તો ખરો.તે માટે અહીં ક્લીક કરો.


વળી જુગલકિશોર કાકાનો જન્મદિવસ પણ આવતીકાલે જ હતો તે તેમણૅ જણાવ્યું તો આ માટે અમારા સૌના વતી તેમને જન્મદિનની શુભકામનાઓ.


ramanlal-soni


(આ ફોટો શ્રી રમણલાલ સોનીનો છે જે સુરેશભાઈ જાનીની મદદથી મળેલ છે.)


સને 2001 ત્રીજી સહસ્ત્રાબ્દીનું પ્રથમ વર્ષ. લોકો ખૂબ ઉત્સાહથી આ પર્વ માણતા હતા. સવારે ધ્વજ ફરકાવવાના અને ધ્વજવંદનના કાર્યક્રમો થતા હતા, ત્યાં અચાનક ગુજરાતની ધરતી ધ્રૂજવા માંડી. આંચકો એવો ભારે હતો કે અંજાર ગામની શાળાનાં બાળકો હાથમાં નાનકડો રાષ્ટ્રધ્વજ ફરકાવતાં ભારત માતાની જેપોકારતાં સરઘાસાકારે ગામમાં ફરતાં હતાં ત્યાં ચારે બાજુનાં મકાનો તૂટી પડ્યાં ને સેંકડો બાળકો ને કેટલાયે શિક્ષકો મોતને ભેટ્યા. આ ભૂકંપમાં અડધો લાખ જેટલાં માણસો મરી ગયાં ને એથી વધારે ઘાયલ થયાં, હજારોની સંખ્યામાં ઘર તૂટી પડ્યાં, કરોડોની મિલકત સાફ થઈ ગઈ. કચ્છમાં પાર વગરનું નુકશાન થયું. અમદાવાદમાં પણ અસંખ્ય મકાનો તૂટી પડ્યાં અને હજારથી વધારે માણસો દટાઈ મર્યાં.


હું તે વખતે અમદાવાદના મારા ફલેટમાં હતો. ચાર માળના બિલ્ડિંગમાં મારો ફલેટ ત્રીજે માળે હતો. નાહીધોઈ પરવારીને હું સોફામાં પલાંઠી વાળીને બેઠો હતો ને છાપું વાંચતો હતો. આંખોની ભારે તકલીફ, એટલે લખાણ પર આંગળી રાખીને એક એક શબ્દ વાંચવો પડે. ત્યાં અચાનક સોફાને આંચકો આવ્યો ને તે ખસ્યો. હું સમજ્યો કે બાબલો (શ્રીરામનો પુત્ર એટલે કે મારો પૌત્ર ગૌરવ) અટકચાળું કરે છે, તેથી કંઈ બોલ્યો નહીં. ત્યાં ફરી મોટો આંચકો આવ્યો. મેં કહ્યું : બબલુ, મને વાંચવા દે !વળી ત્રીજો ને વધારે જોરદાર આંચકો આવ્યો. મેં મોટેથી કહ્યું : બબલુ, કેમ આજે આમ સોફા હલાવે છે ?’



હજુ હું છાપું જ વાંચતો હતો, ત્યાં રેણુકા (પુત્ર શ્રીરામની પત્ની) સોફા પર મારી જમણી બાજુએ આવીને બેઠી ને મારો હાથ એના હાથમાં લઈ ગુપચુપ બેસી રહી. મને તેની આ વર્તણૂક નવાઈની લાગી. એટલામાં ફરી ચોથો આંચકો આવ્યો ને સોફો ખસ્યો. મેં રેણુકાને કહ્યું : બાબલો આજે કેમ આમ તોફાને ચડ્યો છે, સોફાને ધક્કા માર્યા કરે છે !
હવે એ બોલી; કહે : બાબલો નથી.
તરત મને ભાન થયું, મેં કહ્યું : તો શું ધરતીકંપ છે ?’
હા !
તો છોકરા ક્યાં છે ?’
બધાં નીચે ઊતરી ગયાં.
તો તું કેમ ન ગઈ ? બધાંએ તરત ચાલી જવું જોઈએને ?’
તમને મૂકીને હું કેવી રીતે જાઉં ?’
જતાં જતાં મને બૂમ પાડીને કહેવું હતું ને ?’

હું તરત ઊભો થઈ ગયો. પગ ફરસ પર પડ્યા ત્યારે હવે મને ધરતી ધ્રૂજતી અનુભવાઈ. રેણુકા મારો હાથ પકડી મને લઈ ચાલી. લિફટ બંધ, ફોન બંધ, વીજળી બંધ ત્રણ દાદરા ઊતરવાના; મને દેખાય નહીં, તેથી મને સાચવવાનો અને છતાં ઝડપથી ઉતરવાનું. ત્રણ દાદરા ઊતર્યા પછી વલી લાંબી પડાળી પાર કરવાની. બધું વટાવીને અમે બહાર રસ્તા પર જઈ ઊભાં, ત્યારે કંપ બંધ થઈ ગયો હતો. કટોકટીનો કાળ અમે ફલેટમાં જ વિતાવ્યો હતો. મકાન હાલ્યું, પણ પડ્યું નહીં, અમે બચી ગયાં.


ધરતીકંપની ભયાનકતાનો મને ખ્યાલ હતો. કવેટા અને બિહારના ધરતીકંપોની ભીષણ હોનારતના વૃત્તાંતો મેં વાંચેલા; સને 1956ના અંજાર (કચ્છ) ના ભૂકંપની અસર મેં જાતે ત્યાં જઈને જોયેલી પણ ખરી. છેલ્લાં થોડાં વર્ષોમાં લાતૂર અને ચમેલીના ભૂકંપોના હૃદયદ્રાવક અહેવાલોથી હું માહિતગાર પણ હતો. પરંતુ રેણુકાના મોઢે ધરતીકંપનું જાણ્યું ત્યારે પણ હું તદ્દન સ્વસ્થ હતો હૃદયનો એક ધબકાર પણ વધ્યો કે ઘટ્યો નહોતો; શાંતિથી દાદરા ઊતરી હું બહાર આવ્યો ને મકાનનું શું થાય છે તે જોતો ઊભો.


તે દિવસે સવારે નવદશ વાગ્યે મારા નાના ભાઈ ચીમનલાલના દીકરા જસવંતની દીકરી નીપાનાં લગ્ન હતાં અને સવારે છ વાગ્યે સૂરતથી જાન આવી હતી. અમારાં બધાં જ સગાં બહારગામથી આ પ્રસંગે આવેલાં હતાં લગ્નસ્થળનું મકાન પણ ધ્રૂજી ઊઠ્યું હતું. જસવંતનો ફલેટ અને મારો નાનો દીકરો જયરામ જ્યાં રહેતો હતો તે ફલેટ પણ હીંચકાની પેઠે હાલી ગયો હતો મકાનોને નુકશાન થયું, પણ કોઈની જાનહાનિ ન થઈ એટલું સદભાગ્ય. આગમાં કે પૂરમાં કોઈ કીમતી જણસને કે માણસને બચાવવા માટે થોડી ક્ષણ રોકવામાં યે જોખમ તો ખરું, પરંતુ ધરતીકંપ વખતે તો અડધી પળ રોકવામાંયે અતિ અતિ જોખમ; તે વખતે કશું કે કોઈને બચાવવા જતાં બચાવવા જનારું પોતે ય એમાં હોમાઈ જાય એવો પૂરેપૂરો ભય. એવું જોખમ લેવાય જ નહીં. હું આ વાત સ્વીકારું છું અને માનું છું કે રેણુકાએ મને છોડી તરત જ ચાલી જવું જોઈતું હતું. પણ એ કેમ ન જઈ શકી ?


સામાન્ય રીતે ધરતીકંપની થોડી સેકંડોમાં જ મકાનો જમીનદોસ્ત થઈ જાય છે. અમે કંઈ નહીં તો બે મિનિટ એનું કંપન અનુભવ્યું હશે. તે પછી 94 વર્ષના આંખે નહીં ભાળતા વૃદ્ધને ત્રીસ પગથિયાં ઊતરતાં અને તે ઊતર્યા પછી પણ ત્રીસ ફૂટની પડાળી કાપતાં કેટલો વખત લાગ્યો હશે તેની કલ્પના કરો અને એ બધો વખત રેણુકા મને કાળજીથી દોરીને લઈ જઈ રહી હતી ! તમને છોડીને હું કેવી રીતે જાઉં?’ એ તેના શબ્દો મારા ચિત્તમાં જડાઈ ગયા છે. આમ તો એ પારકી દીકરી ને ? પણ પારકી દીકરી પરણીને પારકાંને કેવી રીતે પોતાનાં કરી લે છે અને આત્મીય કરી માને છે તેનું ચરમ દષ્ટાંત આજે મેં જોયું. આ એવો આત્મભોગ છે, જેની આગળ માણસના લાખ દોષ માફ થઈ જાય. ભારતીય સંસ્કૃતિની આ પાયાની ચીજનું ઉજ્જવળ દર્શન મને ધરતીકંપની આપત્તિએ કરાવ્યું.


ધરતીકંપ આવ્યો અને ગયો. સમજ જતાં છ-બાર મહિને કે વર્ષે બે વર્ષે ભુલાઈ પણ જશે. ભંગાર થયેલાં ગામ ફરી બેઠાં થશે. ઘરબાર વિનાનાં થઈ ગયેલાં પુનર્નિવાસ પામશે, જેમણે નિકટનાં સ્વજનો ગુમાવ્યાં તેમની વેદનાયે ધીરે ધીરે શમતી જશે અને પછી પ્રગટતી જશે આ ધરતીકંપે માનવતાને ઢંઢોળી કેવી જાગૃત કરી પ્રવૃત્ત કરી તેની, માનવીને માત્ર મૂઠી ઊંચેરો નહીં, પણ આભ ઊંચેરો સાબિત કરે તેવી, પથ્થરમાં પ્રાણ પૂરે તેવી કથાઓ. એ કથાઓ માનવીય સંસ્કૃતિનો, એકવીસમી સદીના પહેલા પરોઢના માનવીની સંસ્કૃતિનો એક ભાગ બની રહેશે.


એ સંસ્કૃતિમાં કેવળ એક પુત્રવધૂ વૃદ્ધ સસરાને નહીં કહેતી હોય કે તમને છોડીને હું કેવી રીતે જાઉં ?’ પણ સમાજના સર્વોચ્ચ શિખરે બિરાજતો માનવી તળિયાના તુચ્છમાં તુચ્છ જીવને કહેતો હશે કે તને છોડીને હું કેવી રીતે જાઉં ?’

1 comment:

Anonymous said...

nicely narrated all posts

just keep it up !!

and thanx for sharing !!