November 4, 2008

મોટી બહેન અલકાબેનનો જન્મદિન...વિદાય વખતની નિશાની.....સૈફ પાલનપુરી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


ગઈ કાલે હતી કારતક સુદ પાંચમ.લાભપાંચમ.આપ સર્વ કદાચ મારા પર આપનો મીઠો ગુસ્સો ઠાલવવા માંગતા હશો કે 'હિતેશે કાલે પાંચમનું મૂહુર્ત કેમ ન કર્યું..? કેમ અમને ભૂલી ગયાને..?' બરાબરને મિત્રો...પણ એવું જરાયે નથી હોં દોસ્તો.પણ કાલે આપણા આ સંપર્કસાધન કોમ્પ્યુટરથી દૂર હતો તેથી આજે આપ સમક્ષ આવ્યો છું આપની માફીની અપેક્ષા સહ.વળી થોડા દિવસના બંધ બદલ અને એક વચન લેવા કે કદાચ આ અઠવાડિયામાં વધું નહી મલાય કારણાકે ઘરનું પુનઃનિર્માણ કામ ચાલું થયેલ હોવાથી આ કોમ્પ્યુટર અને વીજળીના અને આ ઈન્ટરનેટ ના સ્નેહનાં તાંતણા થોડા સમય માટે વિરહ ની વેદના અનુભવવા જઈ રહ્યા છે તો આશા છે કે તે સમય પણ આપ સર્વેના સાથ સહકારથી જલદીથી પસાર થઈ જશે.અને આમ પણ પ્રેમની ઉત્કટતા અને ઊંડાણ તો ત્યારે જ અનુભવાય ને જ્યારે કોઈનો વિરહ અનુભવાય કોઈની ખોટ વર્તાય અને આપ નિયમિત મુલાકાત લેતા રહી સૂચન આપતા રહેજો.તો વિરહની આ વેળા વસમી નહી બની રહે.તો આજે રજૂ કરું છું આપણા કવિ શ્રી સૈફ પાલનપુરીની વિદાય વખતની નિશાની અને બોધ આપતી રચના.


અરે હાં આજે છે ૪થી નવેમ્બર.મારી મોટી બહેન અલકાબેનનો જન્મદિન પણ આજે જ છે તો તેમને પણ મારા તરફથી જન્મદિનની શુભકામનાઓ.અને મિત્રો સંપર્ક બનાવી રાખજો.આવતા અઠવાડિયે અને જો સમય અને સંજોગો મળશે તો તેથી પણ વહેલા મળશું આ સાયબર મતી નદીના કિનારે મનના વિશ્વાસના દ્વારે,સુલભગુર્જરીનાં આંગણામાં હેતસભર...



vidaay




વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી
મેં એક નિશાની માંગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી
મેં એક નિશાની માંગી

મેં કરી વિનંતી
કે જાગતો રહીશ હું કયાં સુધી મને કોઇ હાલરડું આપો,
બાળક મનને રમવા માટે એક રમકડું આપો;
ઝુલ્ફની ખુશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો,
જતાં જતાં મારા સૂના મનને કંઇક તો વસ્તી આપો.

વિરહની રાતો પોતે જેને જીવની જેમ સંભાળે,
આપો એક વચન કંઇ એવું લાખ વરસ જે ચાલે.
પાયલ પહેર્યા બાદ પડયાં જે તે સૌ પગલાં આપો,
મેં એક નિશાની માંગી

સૂણી વિનંતી બોલ્યા તેઓ નજરને નીચી રાખી,
દિલ જ્યાં આપ્યું પછી કહો શું આપવા જેવું બાકી?’
મારી યાદ હશે જો દિલમાં ને જો સૂરજ ઢળશે,
પ્રેમના સોગંદ રણમાંથી પણ તમને પનઘટ મળશે.
ઝુલ્ફની ખુશ્બો, સ્મિતની રોનક, નયનની મસ્તી મળશે,
ક્ષણભર યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.

બાકી જેને ભૂલી જવું હો એ જ કહાની માંગે,
પ્રીતમ જેના મનમાં શંકા - એ જ નિશાની માંગે.
કેવો પ્રીતભર્યો આ ઠપકો, કેવી શીખ મજાની,
આથી બહેતર સૈફશું મળતે બીજી કોઇ નિશાની !

No comments: