ઈદ મુબારક દોસ્તો,
આજે છે ત્રિવેણી સંગમ. એટલેકે આજે આસો સુદ બીજ.મા જગદંબેનું બીજું નોરતું.વળી આજે રોજા ની સમાપ્તિ થાય છે અને રમઝાન ઈદ ઉજવાય છે.તથા આજે છે ૧લી ઓક્ટોમ્બર એટલે કે જેના માટે દરેક ગુજરાતી ગર્વ લે તેવો અખિલ ભારતીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ છે.વસ્તીના પ્રમાણમાં રક્તદાન ક્ષેત્રે ગુજરાત ભારતભરમાં પ્રથમ સ્થાને છે.અને એક સર્વે પ્રમાણે દર મિનિટે એક ગુજરાતી અને દર ત્રણ મિનિટે એક અમદાવાદી રક્તદાન કરે છે.આમ ગુજરાતીઓએ રક્તદાનને એક પોતાની જીવનશૈલી તરીકે અપનાવી લીધી છે.આશા છે આ જ ઉત્સાહ આપણે હંમેશા દાખવતા રહેશું.તો છે ને ત્રિવેણી સંગમ.તો આજે પ્રસ્તુત છે મકરંદ દવેની એક અનોખી અને બિન્દાસ જીવનશૈલી દર્શાવતી તથા જીવનના સત્યનો ભાસ કરાવતી આ રચના....

કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા.
કાંઈ અફસોસ નહીં, કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.
માન મળે, મળે ધન-ધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોંઢે મેષ ઢાળી.
રામ મારો રૂદે હસે, રંગ નહીં દૂજા:
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.
હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી!
બેય કોરે આપી જવી મુબારકબાદી:
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીના મોજાં,
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.
……………………………………………
આભાર જયદીપભાઈ

No comments:
Post a Comment