September 17, 2008

શ્રાદ્ધ......શ્રી યોગેશ્વરજી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આમ તો બે દિવસ પહેલાથી શ્રાદ્ધની શરૂઆત થઈ ગઈ છે પણ આજે છે ભાદરવા વદ ૨. મારા દાદાની મરણતિથિ તથા તેમનું શ્રાદ્ધ પણ આજે જ છે.આપણી હિન્દુ સંસ્કૃતિમાં શ્રાદ્ધ એક સંસ્કાર છે. જે માતૃઋણ, પિતૃઋણ, અને ઋષિઋણમાંથી આપણને મુક્તિ અપાવે છે.આ શ્રાદ્ધ પક્ષ ભાદરવા પૂનમથી ભાદરવા અમાસ સુધી હોય છે.જેમાં ખીર-પુરી અને કાગવાસની સાથે પિતૃતર્પણ કરવામાં આવે છે.અને શાસ્ત્રમાં કહ્યુ છે કે



ऊं पिता पितामहश्चैव तथैव प्रपितामहः I


मातामहः तत्पिता च प्रमाता महकादयः I


ए ते भवन्तु मे प्रीता प्रयश्छन्तु च मंगलम् II


(અર્થાત પિતા-પ્રપિતા, માતા-પ્રમાતા આપને પ્રણામ.મારુ મંગલ કરો. ઈચ્છા અધૂરી હોય તો એમાંથી મુક્ત થાઓ.)



જો કે નાનો હતો ત્યારે તો મારા માટે તો આ દૂધપાકનો તહેવાર જ માનતો.પણ હવે થોડુ સમજુ છું પણ એક સવાલ થાય છે કે જ્યારે એ માતા કે પિતા જીવિત આપણી પાસે હોય છે ત્યારે આપણે તેમની ઉપેક્ષા કરીએ છીએ તેમને પ્રેમ અને હૂંફ નથી આપતા અને હવે જ્યારે તેઓ હયાત નથી ત્યારે પસ્તાવાથી શો ફાયદો. હું તો એ જ માનું છુ કે જે વડીલોની સેવા કરે તે જ તેમનું ઋણ કંઈક હળવું કરી શકે કારણકે ખરેખર તો તેમનું ઋણ ક્યારેય ન ચૂકવી શકાય.





તમે મીંચી લીધાં નયન કરુણાથી સભર બે,
અમે ભૂલ્યાં એનો પ્રણય નવ ના ભાવ હજુયે;
કર્યા લોકાચારો સકળ, સમયે શ્રાદ્ધવિધિને
કરી શ્રદ્ધા સાથે વિવિધ તપ ને દાન કરિયાં.

ગયાં તીર્થોમાં ને વિધિ સફળતાપૂર્વક કરી
નહાયેલાં સર્વે સરિતજલમાં તોપણ અમે
વહાવ્યાં અસ્થિને મધુર મુખને મંગલ સ્મરી,
ધરિત્રી સારીયે સુખદ સ્પરશે પાવન બની.

તમે શ્રદ્ધાભક્તિસહ પરમ આદર્શ હૃદયે
સદા રાખી જીવ્યાં વિષમસમ વાતાવરણમાં
રહી ચંદ્રિકાશાં વિમલ પર સૌથી ગગનમાં
વળી રેલ્યાં રશ્મિ રસમય સદા શાંતિ ધરતાં,
તમે જીવી જાણ્યું; સ્મરણ નિત આદર્શનું કરી
અમેયે જીવીએ પરમ શુચિ એ શ્રાદ્ધ જ ગણું.

……………………………………………..


( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'તર્પણ' માંથી )

No comments: