July 6, 2008

એકડો સાવ સળેખડો.....રમેશ પારેખ

જયશ્રી કૃષ્ણ મિત્રો,

આજે તો બહુ ગજબનો દિવસ છે. અને તે ૧૦૦૦ વર્ષે ફરી આવે. તો આજે છે ૦૬-૦૭-૦૮. ક્રમબદ્ધ એકડી બોલાઈ ગઈ ને.. છે ને બાળગમ્મતનો દિવસ. વળી આજે આપણા ગુજરાતી બાળસાહિત્યના દાદાજી એવા જીવરામ જોશીનો જન્મદિન પણ છે. તેમનો જન્મ ૦૬-૦૭-૧૯૦૪ના રોજ થયેલ. આઝાદીની લડતમાં તેમના બદલે ભળતા માણસની ધરપકડ થઈ અને જાણે નવજીવન મળ્યું હોય તેમ ત્યાર બાદનો સમય તેમણે ગુજરાતના ભૂલકાઓને પ્રસાદીરૂપે વહેંચી દીધો.. ગુજરાતી બાળસાહિત્યનું સૌથી લોકપ્રિય ફિકશન કેરેકટર મિયાં ફૂસકી છે. મિયાં ફૂસકીનાં અનેક પુસ્તકોની એકથી વધુ આવૃત્તિઓ ઉપરાંત ચિત્રવાર્તા પણ પ્રસિદ્ધ થઇ હતી. આ પાત્ર પર ગુજરાતી સિરિયલ અને એક ફિલ્મ પણ બની છે.


તેમનું પ્રથમ પુસ્તક હતુ રઘુ સરદાર, અને ત્યાર બાદ મારા પ્રિય એવા અડુકિયો-દડુકિયો, ભડામસિંહ, ગુલુ સરદાર, ગપીદાસ, રંગલો જેવા અવનવા પાત્રો તેમને બાળમુખે રમતા કર્યા. અડૂકિયો- દડૂકિયો જેવાં પાર્ટનર ટાઇપની જોડીનાં સફળ પાત્રો પણ સર્જ્યાં છે. આ બંને પાત્રોનાં પરાક્રમોને લઇને જીવરામ જોશીએ પાંચ પુસ્તકો બહાર પાડયાં છે. એક વાર્તા ગાલુ જાદુગરમાં જાદુઇ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે. જીવરામ જોશીનાં ઘડેલાં બે પાત્રો છેલ છબોતેમની ચમત્કારિક શક્તિઓના બેકગ્રાઉન્ડમાં યોગ, ત્રાટક અને પ્રાણાયામને કારણે પ્રચલિત બન્યાં છે. તેમની એક કથાના ખલનાયકનું નામ લીન ચુ જાદુગર આપવામાં આવ્યું હતું. છેલ- છબા અને અડૂકિયા- દડૂકિયાનાં પાંચ- પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં હતાં.


જીવરામ જોશીએ સર્જેલાં અમર પાત્રોની જોડી છકો- મકો હતી. લોરેલ-હાર્ડી જેવી લાગતી આ જોડીનું પાત્રાલેખન મૌલિક હતું. છકો-મકોની વાર્તાનાં કુલ છ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમજ નાટક પણ બનાવવામાં આવ્યું હતું. આ નાટકની બોમ્બેમાં સિલ્વર જ્યુબિલીપણ ઉજવવામાં આવી હતી.


હેરી પોટરની સિરીઝની જેમ ગુજરાતી બાળસાહિત્યમાં સળંગ એકબીજાં સાથે જોડાયેલ ચમત્કારોથી ભરપૂર પાંચ ભાગમાં આવેલી સાહસકથા માનસેન સાહસીની છે. રંગલાના પાત્રનાં તેમણે પાંચ પુસ્તકો લખ્યાં હતાં.આખરે ૯૯ વર્ષની વયે ઈ.સ.૨૦૦૪માં તેમણે આ ફાની દુનિયા ત્યાગી. તેમણે કહેલુ કે બાળક તો પ્રભુનું રૂપ છે, હું તેની પૂજામાં વાર્તારૂપી ફૂલ ચઢાવું છું. તો આજના દિવસે બાળપ્રભુને મારે પણ એક બાળગીત તો અર્પણ તો કરવું જ પડે ને..











એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ

No comments: