July 4, 2008

ભગવાન જગન્નાથની ૧૩૧મી રથયાત્રા..મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.....તુષાર શુક્લ

જયશ્રી કૃષ્ણ મિત્રો,


આજે છે અષાઢ સુદ બીજ એટલેકે શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રાનો દિવસ.આમ તો દરરોજ આપણૅ પ્રભુના મંદિરે જઈએ છીએ પરંતુ વર્ષમાં માત્ર એક આ દિવસે પ્રભુ ખુદ પોતાના ભક્તો પાસે આવે છે. આ વર્ષે ભગવાન જગન્નાથની ૧૩૧મી રથયાત્રા એટલા જ દબદબાભેર નીકળી. અને હાં આ વખતની રથયાત્રા મેં પહેલી વાર નજરોનજર નિહાળી આટલા વર્ષોમાં ટીવી પર તો ઘણીવાર જોઈ પણ આજ પહેલી વાર સાક્ષાત્કાર કર્યો.અને ખરેખર અભિભૂત થઈ ગયો. વળી અમદાવાદની આજની રથયાત્રામાં બે વાત ખુબ મજાની બની ગઈ કે ૨૨વર્ષો બાદ આજે પહેલીવાર મુસ્લિમ સમાજના બિરાદરોએ પણ જનતા બંધ પાળવાની જગ્યાએ આજે તેમણે પણ હોંશે હોંશે ભાગ લીધો. ખરેખર ક્યારેય કોઈ પણ ધર્મ હિંસા નથી સૂચવતો અને સાવ સાચુ જ છે ને કે આ દુનિયામાં સર્વ ધર્મમાં મોટો ધર્મ છે માનવતાનો. માટે જ કવિએ કહ્યું છે ને કે " હું માનવી માનવ થાઉંને તોય ઘણું."


વળી એક ખાનગી વાત કહું તો આજે આપણા હિન્દુ વર્ષ પ્રમાણે અષાઢી બીજે મારો જન્મદિવસ પણ છે. અને બીજી વાત એ કે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજી નો રથ તેમના મોસાળમાં પ્રવેશ્યો ત્યારે ખુદ મેઘરાજાએ પણ અમી છાંટણાં કરી ભગવાનનું સ્વાગત કર્યું ત્યારે કવિશ્રી તુષાર શુક્લની મારી પ્રિય રચના આંખોમાં બેઠેલા ચાતક કહે છે... યાદ આવી ગઈ જાણૅ કે આ ચોમાસાની બીજી સીઝનનો વરસાદ પ્રભુના આગમનની જ પ્રતિક્ષા કરી રહ્યો હતો. અને આ ગીત બાજુનાં બોક્સનેટમાં પણ ગૂંજતુ કરેલ છે






આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.


કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે
;
ગાલો પર લજ્જાની

આંખોમા બેઠેલા


કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે
;
ગાલો પર લજ્જાની

આંખોમા બેઠેલા

તથા ૧૩૧મી રથયાત્રા જ્યારે તેમના મોસાળમાં પ્રવેશી તેનો વિડિયોની પણ લિન્ક આપેલ છે તો દર્શનનો આ લહાવો ચૂકતા નહીં. માફ કરજો કેટલીક ટેકનીકલ પ્રોબ્લેમના લીધે સમયસર રજૂ ન થઈ શક્યું..

No comments: