September 30, 2008

જય આદ્યાશક્તિ..... શિવાનંદસ્વામી

જય અંબે દોસ્તો,


આજે છે આસો સુદ એકમ. મા અંબેના નવલી નવરાત્રીનું પ્રથમ નોરતું.તો આજથી તો નાના-મોટા દરેક ભક્તજનો અને યુવાધન ભક્તિ અને ગરબાને હિલોળે ચડશે.જો કે હવે તો આપણા ગુજરાતના ગરબા માત્ર ગુજરાત પૂરતા જ મર્યાદિત નથી રહ્યા.તે તો સમગ્ર વિશ્વમાં ફેલાયા છે. તો ચાલો આજે જગદંબે માતાની આરતી કરીને નવરાત્રીની શુભ શરૂઆત કરીએ.


આ આરતી ના ભાવાર્થ માટૅ નીચે ક્લીક કરો. આ ભાવાર્થ માટે ટહુકાનો આભાર.


આરતી ભાગ-૧ ભાગ-૨




જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2)
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) પડવે પ્રગટ્યા મા.
ૐ જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2)
બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા,
ૐ જયો જયો મા જગદંબે.

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2)
ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા….
ૐ જયો જયો મા જગદંબે.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2)
ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં…..
ૐ જયો જયો મા જગદંબે.

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2)
પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા…..
ૐ જયો જયો મા જગદંબે.





ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2)
નરનારીના રૂપે (2) વ્યાપ્યા સઘળે મા….
ૐ જયો જયો મા જગદંબે.





સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા… (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા….
ૐ જયો જયો મા જગદંબે.

અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2)
સુરવર મુનિવર જન્મ્યા (2) દેવો દૈત્યો મા…..
ૐ જયો જયો મા જગદંબે.

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2)
નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા
ૐ જયો જયો મા જગદંબે.

દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2)
રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો મા….
ૐ જયો જયો મા જગદંબે.

એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2)
કામદુર્ગા કાલિકા (2) શ્યામા ને રામા….
ૐ જયો જયો મા જગદંબે.

બારશે બાળારૂપ બહુચરી અંબા, મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમા
ૐ જયો જયો મા જગદંબે.

તેરશે તુળજા રૂપ તું તારુણી માતા, મા તું તારુણી (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા
ૐ જયો જયો મા જગદંબે.

ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2)
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની મા
ૐ જયો જયો મા જગદંબે.

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2)
વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) ગાઈ શુભ કવિતા
ૐ જયો જયો મા જગદંબે.

સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,
સંવત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે, મા ગંગાને તીરે
ૐ જયો જયો મા જગદંબે.

ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા ચંપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે.

એકમ એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો,


ભોળા ભવાનીને ભજતા, ભોળા અંબેમાને ભજતા, ભવસાગર તરશો.


ૐ જયો જયો મા જગદંબે.



ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, (૨)


વલ્લભ ભટ્ટને રાખ્યા (૨), ચરણે સુખ દેવા.


ૐ જયો જયો મા જગદંબે



માનો મંડપ લાલ ગુલાલ, શોભા બહુ સારી (૨)


અબિલ ઉડે આનંદ, ગુલાલ ઉડે આનંદ, જય બહુચરમાડી.


ૐ જયો જયો મા જગદંબે



શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2)
ભણે શિવાનંદસ્વામી સુખસંપત્તિ થાશે…..
હર કૈલાશે જાશે…. મા અંબા દુ:ખ હરશે.
ૐ જયો જયો મા જગદંબે.

............................................................................................

અહીં ત્રણ પંક્તિ જે જરા ઘાટા રંગમાં છે તે હવે ગુજરાતમાં આરતીમાં ખાસ ઉમેરાયેલી પંક્તિ છે.

No comments: