Showing posts with label મકરંદ દવે. Show all posts
Showing posts with label મકરંદ દવે. Show all posts

October 1, 2008

બીજું નોરતું...રમઝાન ઈદ...કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા......મકરંદ દવે

ઈદ મુબારક દોસ્તો,


આજે છે ત્રિવેણી સંગમ. એટલેકે આજે આસો સુદ બીજ.મા જગદંબેનું બીજું નોરતું.વળી આજે રોજા ની સમાપ્તિ થાય છે અને રમઝાન ઈદ ઉજવાય છે.તથા આજે છે ૧લી ઓક્ટોમ્બર એટલે કે જેના માટે દરેક ગુજરાતી ગર્વ લે તેવો અખિલ ભારતીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ છે.વસ્તીના પ્રમાણમાં રક્તદાન ક્ષેત્રે ગુજરાત ભારતભરમાં પ્રથમ સ્થાને છે.અને એક સર્વે પ્રમાણે દર મિનિટે એક ગુજરાતી અને દર ત્રણ મિનિટે એક અમદાવાદી રક્તદાન કરે છે.આમ ગુજરાતીઓએ રક્તદાનને એક પોતાની જીવનશૈલી તરીકે અપનાવી લીધી છે.આશા છે આ જ ઉત્સાહ આપણે હંમેશા દાખવતા રહેશું.તો છે ને ત્રિવેણી સંગમ.તો આજે પ્રસ્તુત છે મકરંદ દવેની એક અનોખી અને બિન્દાસ જીવનશૈલી દર્શાવતી તથા જીવનના સત્યનો ભાસ કરાવતી આ રચના....





કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા.

કાંઈ અફસોસ નહીં, કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.

માન મળે, મળે ધન-ધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોંઢે મેષ ઢાળી.
રામ મારો રૂદે હસે, રંગ નહીં દૂજા:
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી!
બેય કોરે આપી જવી મુબારકબાદી:
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીના મોજાં,
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.

……………………………………………


આભાર જયદીપભાઈ

September 24, 2008

પુત્રી જન્મનાં વધામણાં.......મકરંદ દવે

અરે હા મિત્રો યાદ આવ્યુ હમણા જ અગસ્ત્ય ફાઉન્ડેન્શન દ્વારા પ્રદર્શિત થયેલ શબ્દનો સ્વરાભિષેક આલ્બમમાં થી મકરંદ દવેનું આ ગીત મળ્યું પુત્રી જન્મનાં વધામણાં. ખરેખર સુંદર ગીત છે. અને આ આલ્બમમાં પણ શ્રી અમર ભટ્ટે ખૂબ સુંદર સંકલન સાથે ઉત્તમ રચનાઓ રજૂ કરી છે તો એનો લાભ લેવાનો ચૂકતા નહી.અને જો તેમની અનુમતિ મળ્શે તો આ ગીતને સ્વર સાથે પણ સુલભગુર્જરી કે મનના વિશ્વાસની સંગીતમય આવૃતિમાં રજુ કરીશ.વળી આપણા કવિ શ્રી રમેશભાઈ પટેલે(આકાશદીપ)પણ તેમની પ્રેમપંથની રચના મોકલી આપી છે જે સત્વરે રજૂ કરીશ.અને આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર.



પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,


પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,


અદકા અજવાળા એની આંખમાં રે લોલ.



નભથી પધારી મારી તારલી રે લોલ,


અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,


અદકા અજવાળા એની આંખમાં રે લોલ.



લેજો રે લોક એનાં વારણા રે લોલ,


પુત્રી તો આપણી પુનાઈ રે,


અદકા અજવાળા એની આંખમાં રે લોલ.



ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,


વેણીના ફૂલની વધાઈ રે,


અદકા અજવાળા એની આંખમાં રે લોલ.



ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,


દુર્ગાના કંઠનો હુંકાર રે,


અદકા અજવાળા એની આંખમાં રે લોલ.



બાપુની ઢાલ બને દિકરો રે લોલ,


કન્યા તો તેજની કટાર રે,


અદકા અજવાળા એની આંખમાં રે લોલ.



ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ,


આથમણી સાંજે અજવાસ રે,


અદકા અજવાળા એની આંખમાં રે લોલ.



રમતી રાખો રે એની રાગિણી રે લોલ,


આભથી ઊંચેરો એનો રાસ રે,


અદકા અજવાળા એની આંખમાં રે લોલ.


.....................................................


આભાર સ્વરાભિષેક