September 5, 2016

સંવત્સરી ... મિચ્છામી દુક્કડમ .....

જય શ્રીકૃષ્ણ મિત્રો/વડીલો,
          આજે છે પર્યુષણ પર્વનો આઠમો દિવસ જે સંવત્સરી તરીકે ઓળખાય છે. પર્યુષણ પર્વના આઠે દિવસોમાં આજના દિવસનો ખૂબ મહત્વ ધરાવે છે. સાત દિવસ સાધનાના હતા જ્યારે આઠમો દિવસ સિદ્ધિનો છે. જૈન ધર્મીજનોની આ દિવાળી છે, જેમ દિવાળી આવતા આખાય વર્ષના ચોપડા તપાસાય, લેણી-દેણીના હિસાબ ચોખ્ખા કરાય છે, નફા-તોટાની તારવણી કરાય છે. તેમ આજે સંવત્સરીના દિવસે એકાંતમાં બેસીને શાંત ચિત્તે આપણા જીવનના ચોપડા તપાસવાના છે. વીતેલા વર્ષ દરમિયાન થઈ ગયેલા અનેક દુષ્કૃત્યો બદલ અંતરથી પશ્ચાતાપ કરવાનો છે અને ફરીથી એવી ભૂલો ન થાય તે માટે સંકલ્પ કરવાનો છે. ક્રોધ અને અહંકારના આવેશમાં આવી જેની પણ સાથે વેર વિરોધ અને કલેશ કંકાશ થયો હોય તે બધાની અંત:કરણથી ક્ષમા યાચના માંગવાની છે. પ્રતિક્રમણ કરવાનો આ પાવન પર્વ છે. તો વળી પુજ્યપાદ રશ્મિરત્ન્સૂરિશ્વરજી મહારાજ સાહેબ આ પર્યુષણ પર્વની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે.
P = પર્વની ઉજવણી કરવી
A = આરાધના કરવી
R = રાગ-દ્વેષ દૂર કરવા
Y = ગુણોની યાતના કરવી
U = ઉપવાસ તપ કરવા
S = સમતા રૂપ સામાયિક કરવી
H = હંમેશ પ્રભુ દર્શન કરવા.
A = અઠ્ઠાઈ, અઠ્ઠમ તપ કરવા
N = નીવિ-એકાશન તપ કરવા, નમ્રતા રાખવી.
તો ચાલો આજે આપણે માણીએ એક આ રચના અને સૌને મિચ્છામી દુક્કડમ....
samvatsari
વીત્યા  વર્ષમાં મેં  ઘણાને દૂભવ્યા હશે,
કોઈ નયન મારા થકી ભીનાં થયા હશે.

મારા થકી ઘવાયુ હશે કોઈનું સ્વમાન,
ક્યારેક હું હઈશ આપીન જબાન.

ગુસ્સે થયો હોવા છતાં ખોટું હસ્યો હોઈશ,
ન બોલવાનું કેટલું બોલી ગયો હોઈશ.

ન મળવાના મેં બહાનાઓ કાઢ્યા હશે હજાર,
બીજાના દુ:ખનો મેં નહીં કીધો હશે વિચાર.

કોઈને માથે ઉભો હઈશ હું બનીને બોજ,
કોઈના નીચા જોણામાં લીધી હશે મેં મોજ,

કીધા હશે મેં કોઈના તદ્દન ખોટા લખાણ,
અમથા જ મેં કર્યા હશે આક્ષેપ ને ખેંચતાણ.

આજે રહી રહીને બધું યાદ આવે છે,
નીતર્યાં હૃદયના દ્વારથી એક સાદ આવે છે.

કહી દઉં કે કેટકેટલી ભૂલો કરી છે મેં,
મનમાં અહમની કેવી દિવાલો ઘડી છે મેં.

માફી તમારી માંગતા લાગે છે બહું શરમ,
આથી જ કહું છું દૂરથી, મિચ્છામી દુક્કડમ. 

No comments: