August 7, 2016

શુભ મિત્રતા દિન.... દોસ્ત ..... જયોતિ એ.ગાંધી


જય શ્રીકૃષ્ણ મિત્રો,

          આજે છે ૨૦૧૬ ના વર્ષના ઓગસ્ટ માસનો પ્રથમ રવિવાર. અને આજનો દિવસ તો આપ સર્વે જાણો જ છો કે આજે ઉજવવામાં આવે છે, “મિત્રતા દિન.” મિત્ર, ભાઈબંધ, દોસ્ત, દોસ્તાર, યાર, જોડીદાર, લંગોટીયો અને કંઈ કેટલાય શબ્દો આપણે વાપરીએ છીએ, પણ જ્યારે એ લાગણીની વાત આવે ત્યારે કદાચ શબ્દો પણ ઓછા પડે. વળી એમ કહીએ તો ખોટુ તો ન જ કહેવાય કે દરેક સંબંધોમા પણ ક્યાંક મિત્રતાનો અંશ તો રહેલો જ હોય છે. જુઓને દંપતિના સંબંધમાં જોઈએ તો સપ્તપદીના સાત ફેરા સાથે સંસ્કૃતમાં પણ કહેવાયુ છે ને કે સાત ડગલા સાથે ચાલવાથી મિત્રતા બંધાય. તો વળી એમ પણ કહેવાયુ છે ને કે જ્યારે પુત્ર મોટો થાય ત્યારે પિતાએ પણ તેને મિત્ર સરીખો ગણી વ્યવહાર કરવો જોઈએ. તો ચાલો આજે માણીએ જ્યોતિ ગાંધીની આ રચના જે દોસ્તની યાદ જરૂરથી અપાવી દેશે. અને અગાઉ આ દિન પર પ્રસિદ્ધ થયેલ રચના તને સાંભરે રે ?..... પ્રેમાનંદ અને કૃષ્ણ સુદામાની જોડી…..કાંતિ અશોક પણ જરૂરથી માણશો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ અવશ્યથી આપશો.

   

આંસુ હોય મારી આંખમાં તો એ રડી પડે છે
 મારી એક ખુશી માટે એ બધાં સાથે લડી પડે છે

મંઝિલનાં એક-એક મુકામે જ્યારે પણ એની જરૂર પડે છે 
સાથ આપવા મારો એ હંમેશા તૈયાર રહે છે

ઘણી વાતો આ મન બધાંથી છુપાવે છે. 
એ એક છે જે મારી આંખોથી બઘું વાંચી લે છે.

મારી પસંદ-નાપસંદ બઘું એ જાણે છે 
અવનવા ઉપાયોથી એ હંમેશા મને ખુશ રાખે છે.

હું હોઉં ખુશમિજાજમાં તો એ પણ મહેંકી ઉઠે છે
 મારી એક હસીમાં પોતાનાં સેંકડો ગમ છુપાવી દે છે.

કેવી છે આ ગાંઠ પ્રીતની જે હંમેશા અમને બાંધી રાખે છે. 
હા એજ દોસ્તની દોસ્તી જે બધાંથી ખારી લાગે છે.

No comments: