January 30, 2009

ગાંધીડો મારો, મોભીડો મારો..... દુલા ભાયા 'કાગ'

જય શ્રીકૃષ્ણ મિત્રો,


વળી ફરતા ફરતા અમિતભાઈના બ્લોગ અમીઝરણું પર પહોંચી ગયો અને મને મલી ગયું શ્રી દુલા ભાયા કાગની આ રચના જે ગાંધીજીનું સમગ્ર વ્યક્તિત્વ જીવનચરિત્ર વ્યક્ત કરે છે.તો આ રચનાને આપ સર્વ સમક્ષ મુકવાની લાલસઆ થોડી જ રોકી શકાય...! વળિ કવિ કાગનું ગીત આવકારો મીઠો આપજે ત્યારે જ રજુ થયેલો જ્યારે સુલભગુર્જરીનો શુભારંભ થયેલો.તો માણો આ રચના...



gandhiji

સો સો વાતુંનો જાણનારો,
મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.

ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારો;
…..ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,
ઇ તો ઢાળમાં નવ ધ્રોડનારો, મોભીડો…..

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો, મેલાંઘેલાંને માનનારો;
…..ઉપર ઊજળાં ને મનનાં મેલાં એવાં,
ધોળાને નહીં ધીરનારો. મોભીડો…..

એના કાંતેલામાં ફોદો ન ઊમટે, તાર સદા એકતારો
…..દેયે દૂબળિયો ગેબી ગામડિયો,
મુત્સદ્દીને મૂંઝવનારો. મોભીડો…..

પગલાં માંડશે એને મારગડે, આડો ન કોઇ આવનારો;
…..ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઇ તો,
બોલીને નૈં બગાડનારો. મોભીડો…..

નાનાં બાળક જેવો હૈયે લેરીલો, એરુમાં આથડનારો;
…..કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઇ,
કાળને નોતરનારો. મોભીડો…..

આવવું હોય તો કાચે તાંતણે, બંધાઇ ને આવનારો;
…..નાવવું હોય અને નાડે જો બાંધશો તો,
નાડાં તોડાવી નાસનારો. મોભીડો…..

રૂડા રૂપાળા થાળ ભરીને, પીરસે પીરસનારો;
…..અજીરણ થાય એવો આર કરે નૈ કદી,
જરે એટલું જ જમનારો. મોભીડો…..

આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં, એક ઘડી ન ઊભનારો;
…..અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં,
વણ તેડાવ્યો જાનારો. મોભીડો…..

સૌને માથડે દુઃખડા પડે છે, દુઃખડાંને ડરાવનારો;
…..દુઃખને માથે પડ્યો દુઃખ દબવીને એ તો,
સોડ તાણીને સૂનારો મોભીડો…..

કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારો;
સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો,
ડુંગરાને ડોલાવનારો. મોભીડો…..

ઓળખજે બેનડી એ જ એંધાણીએ,
એ મારા ખોળાનો ખૂંદનારો;
મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા,
ઘડપણને પાળનારો. મોભીડો…..

No comments: