November 16, 2008

હિનાબેનનો જન્મદિન...વહાલી દીકરી.....રમેશ પટેલ ‘આકાશદીપ’

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૧૬મી નવેમ્બર.આજે મારી બહેન હિનાબેનનો જન્મદિન છે.આમ તો ખુશી નો અવસર છે પણ આજે એક પિતાની દ્રષ્ટિએ એક વ્યથા કહેવી છે.આ મહિનામાં જ મારી બંને બહેનોના જન્મદિન આવે છે.તો બાળપણના એ દિવસો યાદ આવી ગયા.તો પપ્પાની નજરે આ વાતને વિચારે મારું મન ચડી ગયું કે તેમના મનમાં શું ચાલી રહ્યું હશે.?જેમની બે બે દીકરી આજે લગ્ન કરીને વિદાય થઈ ગઈ છે જે તેમની લાડકી આજે તેમની નજરોથી દૂર છે. ભલે તેઓ સાસરાં સુખી હોય અને તેમને પણ બે-બે દીકરા/દીકરી હોય પણ તોય તેની ચિંતા તો તેમને પણ થતી જ હશે ને...?બસ બધી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત ન જ થઈ શકે.તેથી આજે રજું કરું છું આવી જ એક દીકરીની વિદાય વેળાનું શ્રી રમેશ પટેલ 'આકાશદીપ'ની ઉપાસના કાવ્યસંગ્રહની કૃતિ.. અને એક અરજ છે જો આપની પાસે હોય તો મને આ ગીત આપશો "આખરે ઉજાગરાનો અંત આવ્યો."કેટલાય સમયથી આ ગીત શોધી રહ્યો છું...ચાલો ત્યારે જય શ્રીકૃષ્ણ.



dikarii2



વહાલી દીકરી
મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરે દોડી
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલ ખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગ સખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતી અનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલી દીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્ન આંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગે શરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે કન્યા પીળે હસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા
માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ ના સમજાતી
વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ
વગર વાંકે ખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતી બાપની પાસે
બોલી કાનમાં ખૂબ જ ધીરે
કોને બોલશો-વઢશો પપ્પા હવે
હું તો આજ સાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવે આંખે પાણી
ઓ વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી

………………………
રમેશ પટેલ(આકાશદીપ)

No comments: