November 25, 2008

તને નજરું લાગી છે મારા નામની ! - વંચિત કુકમાવાલા

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે ગઈ પોસ્ટ એટલેકે હરીન્દ્ર દવેની રચના સોળે સજી શણગાર નો વળતો જવાબ લઈને આવ્યો છું.ચંદ્રવદન કાકાએ કહ્યું કે સાચે હિતેશે તો નજરું લગાવી દીધી અને તો પછી આ નજરું કોની છે અને તે માટે શું કરવું તે તો જણાવવું જ પડે ને... પહેલા તો એ પ્રશ્નનો જવાબ કહી દઉં કે હમ દિલ દે ચૂકે સનમનું ગીત "નીંબૂડા નીંબૂડા" સાંભળજો પછી કહેજો કે આ ગીત આપણા આ સોળૅ સજી શણગાર સાથે મલતું આવે છે કે નહીં.અને હા તે ગીતનો જવાબ આપતા અહીં પ્રિયતમ પોતાની પ્રિયાને કહે છે કે તેને નજરું તો તેની લાગી છે અને હવે તો તે તેના પ્રેમમાં એટલી ઘેલી અને ખોવાઈ ગઈ છે કે છાણાવાળા હાથને પણ મહેંદીવાળા સમજે છે.ખરેખર વંચિત કુકમાવાલાએ ખૂબ જ સરસ જવાબ આપતું ગીત રચ્યું છે તો માણૉ આ રચના અને આપનો પ્રતિભાવ આપશો.




આલ્બમ : યાદોનો દરિયો
સંગીત : અનિલ ધોળકિયા
સ્વર : અનિલ ધોળકિયા , સોનલ રાવલ




ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !

લહેરાતા વાળ તારે ખેંચીને બાંધવા
ને આઇનામાં જોઇ અમથું હસવું
માથે ઓઢીને તારું શેરીમાં ફરવું
ને ઊંબરે બેસીને તારું રડવું

ઘરના તો ઠીક હવે ગામ આખું કહેશે,
કે રહી ના હવે તું કશા કામની..
તને નજરું લાગી છે મારા નામની !

વાસીદું કરશે તો છાણવાળા હાથ
હવે મેંહદી રંગેલ તને લાગશે
ઓચિંતા આંગળીમાં વાગશે ટચાકા
અને કેટલીય ઇચ્છાઓ જાગશે

વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે
પકડી લે કેડી મારા ગામની..
તને નજરું લાગી છે મારા નામની !

ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !

No comments: