અને હા મિત્રો અશરફ ડબાવાલાની આ રચનામાં એક દર્દીએ પૂછેલા સિઝોફ્રેનીયા ના જવાબ આપશો. મને નહી...આપના અંતરને....

ડાક્ટર !
તમારી વાત હાવ હાચી છે,
મને schizophrenia થ્યો છે.
પણ ઇ ક્યો ને કોને નથી થ્યો?
તમે ક્યો છો કે
મારો ને reality વચ્ચેનો પુલ તૂટી ગ્યો છે.
પણ બાપુ ! એના તો પૈસા છે !
બે ઘડી reality ને પછવાડે
ચૂસકી મારીને જોઈ લ્યો કેવો ટેસ પડે છે!
તમે હાચું કીધું કેમને paranoia થાય છે
ને એટલે જ મને લાગે છે કે
કોઈ મારો પીછો કરે છે.
પણ ડાક્ટર !
આ દશેદશ ને ગામેગામના
એક્કેએક ટોળાને લાગે છે કે
એની પાછળ બીજું ટોળું પડ્યું છે.
તમારી ઇ વાત હો ટકાની કે
હું ‘thought insertion’થી પીડાઉં છું.
એટલે મારા મનમાં વિચારો આવતા નથી,
પણ કોઈ મૂકી જાય છે એવું લાગે છે.
પણ એમ તો આ હંધાય ક્યે છે કે
ઈ જેમ કરાવે છે એમ આપણે કરીએ છીએ.
એય કબૂલ કે
હું ‘feeling of passivity’થી ઘેરાણો છું.
ને એટલે
મને કોઈ control કરતું હોય એવું લાગે છે
પણ આ હંધાય સદીયુંથી કીધે રાખે છે
‘એની ઇચ્છા વગર એક પાંદડુંય હલતું નથી’
ઈ ડાહ્યાને કાંક ક્યોને !
ને એક ખાનગી વાત કરી દઉં?
મેં તો ક્યારનોય suicide કરી નાંખ્યો હોત,
પણ મારે હજી ઓલાં ફૂલ ચીતરવાનાં બાકી છે.
ઈ પહેલાં મરવું નથી.
મને નજરે તરે છે ઈ ફૂલોનો રંગ.
રોજ દુકાને દુકાને જઈને શોધું છું ઈ રંગ,
પણ ક્યાંય મળતો નથી.
જે દી ઈ રંગ મળી જાશેને
તે દી મારી પર ફેંકાયેલા પથ્થરે પથ્થર પર
ઈ ફૂલો ચીતરીને પછી
મારા પેટ પર
ડહાપણની ઘંટીનું પડ બાંધી
હું ભૂસકો મારીશ
realityના દરિયામાં.
-અશરફ ડબાવાલા
..................................
વધારે જાણકારી માટૅ SCHIZOPHRENIA પર ક્લીક કરો.

No comments:
Post a Comment