અરે હાં મિત્રો એક નવી વાત તો એ પણ બની ને કે હવે તો ગમતા વેકેશન નો અંત આવી ગયો અને નિશાળ પણ શરૂ થઈ ગયી. હવે બાળકો, ભૂલકાઓની શાળાએ જવાની જીદ શરૂ. હૅ .... શાળાએ જવાની તે જીદ હોતી હશે. પણ જો બાળકો ની સાથે આ બધા લોકો પણ સાથે આવે તો તો મજા જ પડે ને. અને સાચે કદાચ એટલે જ પહેલાનાં જમાનામાં ગુરૂકુળમાં પ્રકૃતિની ગોદમાં શિખવવામાં આવતું હતું. આજે એ તો શક્ય નથી પણ આજના શિક્ષકો કંઈક નવી કંઈક જુદી જ રીતે રજૂ કરીને ભણાવે તો ભણતર કેટલુ રસપ્રદ બની જાય માત્ર ગોખણપટ્ટીની જગ્યાએ યોગ્ય રીતે પ્રેક્ટીકલ જ્ઞાન તેમને અંદર સામેલ કરીને શીખવવાનો નવતર અભિગમ અપનાવવાથી બાળકને ભણતરનો ભાર લાગવાને બદલે તે હોંશે હોંશે નિશાળે જશે એની ગેરંટી મારી.... તો આજે કંઈક શાળાએ જવાની આશા સાથેનું આ ગીત આપ સર્વેને ગમશે.
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !


No comments:
Post a Comment