March 29, 2008

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે

આજે તો ૨૯મી માર્ચ. આપણા ગુજરાતી સાહિત્યના ઊર્મિશીલ કવિ હરિન્દ્ર દવે ઈ.સ. ૧૯૩૦માં કચ્છના ખંભરા ગામે થયેલો. મુંબઈ યુનિ.મા એમ.એ. કરી 'જનશક્તિ' દૈનિકના તંત્રીપદે રહ્યા.


તેમની રચનાઓ માં અગનપંખી , પળના પ્રતિબિંબ, અનાગત, મુખવટો, લોહીનો રંગ લાલ વગેરે નવલકથાઓ છે. આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.તેમના કાવ્યસંગ્રહ હયાતિ ને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પારીતોષિક મળૅલ છે.અને તેમણે આજના દિવસે એટલે કે ૨૯-૦૩-૧૯૯૫ ના રોજ ચિરવિદાય લીધી.


તો આજે તેમનું આ ગીત સાંભળીને માત્ર તેમની જ નહીં પણ કોઈક બીજા, કોઈક પોતાનાની પણ યાદ આવી જ જાય ને દોસ્તો.



green leaf


પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં


ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં


જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં


કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં


કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં


(કવિ પરિચય)


No comments: