March 4, 2008

પડછાયો હતો - શૂન્ય પાલનપુરી



માફ કરજો મિત્રો હમણા ઇન્ટરશીપમાં વ્યસ્ત હોવાને લીધે વધુ રજુ નથી થતુ.. અને હં આ બ્લોગ મા હુ આપણા ટહુકા વાળા જયશ્રીબેન નો આભાર માનવો ઘટે.. કોશિશ કરિશ કે અઠવાડિયામા એક તો રચના મુકી શકુ. ... તો હવે મળતા રહેશુ...



sandhya





ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?


ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.


નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.


ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?


તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.


માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.


આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે શૂન્યકેરો પ્રાણ પૂરાયો હતો.

No comments: